ગુજરાતમાં ચોમાસુ જામતું જાય છે. ત્યારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘસવારી થઈ રહી છે. હવામાન ખાતાએ ઉત્તર ગુજરાતમા ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરી છે. અમદાવાદમાં શુક્રવારે મોડીરાતથી વરસાદનું આગમન થયું છે. પહેલાં વરસાદમાં જ શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા છે. જોકે, વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોમાં ખુશી જોવા મળી હતી. ત્યાં જ રાજ્યનાં દરિયાકાંઠાના વિસ્તારોમાં પાંચ દિવસો દરમિયાન ભારેથી અતિભારે વરસાદની વકી હવામાન વિભાગે કરી છે.
વરસાદને કારણે વાસણા બેરેજના 21 અને 22 નંબરના દરવાજા 2 ફૂટ સુધી ખોલાયો છે. સાથે જ સાવચેતીના પગલે રિવરફ્રન્ટમાંથી પાણી છોડ્યું હતું. હવામાન વિભાગનાં આંકડાઓ મુજબ અમદાવાદનું મહત્તમ તાપમાન 32.8 ડિગ્રી અને લઘુતમ તાપમાન 24.9 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદમાં 1લી અને 2જી જુલાઇનાં રોજ ઝરમર વરસાદથી લઇને જોરદાર વરરસાદી ઝાપટું તેમજ 3 અને 4 જુલાઇનાં રોજ ઝાપટાં અને 5 અને 6 જુલાઇએ વરસાદનું જોર સામાન્ય ઘટવાનાં સંકેતો હવામાન વિભાગ દ્વારા પ્રાપ્ત થયાં છે. સૌરાષ્ટ્રમાં સર્જાયેલાં અપરએર સાઈક્લોનિક સરક્યુલેશનથી પાંચ દિવસ દરમિયાન રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારોમાં વાદળિયા વાતાવરણ વચ્ચે પવન ફૂંકાવાની સાથે ભારેથી હળવો વરસાદ યથાવત્ રહેવાની શક્યતા છે.દરિયાકાંઠાનાં વિસ્તારોમાં તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત ઉ. ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં છેલ્લા 24 કલાકથી વરસાદ વરસી રહ્યો છે. ટંકારા તાલુકામાં આજે સવારે 7 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં ધોધમાર 8 ઇંચ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા ગયા છે. તેમજ નદી-નાળા બેકાંઠે વહી રહ્યા છે.
ટંકારામાં આભ ફાટ્યું હોટ તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ટંકારાના ખાખરા ગામે નદીમાં બાઇક સાથે બે વ્યક્તિ તણાયા હોવાનું જાણવા મળ્યું છે. મોરબી અને રાજકોટથી ફાયરબ્રિગેડની ટીમ દોડી ગઇ છે. આજે સવારે 7 વાગ્યાથી શરૂ થયેલો વરસાદ મોરબીમાં 2 ઇંચ અને વાંકાનેરમાં 4.5 ઇંચ વરસી ગયો હતો. હજુ પણ ધીમી ધારે વરસાદ અવિતર ચાલુ છે. તેમજ મોરબીમાં કોઝવેમાં કાર ફસાતા બે વ્યક્તિઓ ફસાયા હોવાનું પણ જાણવા મળ્યું છે. ટંકારા તાલુકાના ખાખરા ગામે બે વ્યક્તિ નદીમાં તણાતા મોરબી કલેકટર, ડેપ્યુટી કલેકટર, મામલતદાર સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે.