Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પ્રસૂતી દરમિયાન મહિલાનું મોત નિપજતા પરિવારજનોએ હંગામો મચાવ્યો

પ્રસૂતી દરમિયાન મહિલાનું મોત નિપજતા પરિવારજનોએ હંગામો મચાવ્યો
, સોમવાર, 7 સપ્ટેમ્બર 2020 (15:32 IST)
બનાસકાંઠાના ઇકબાલગઢ ખાતે એક ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતી દરમિયાન મહિલાનું મોત નિપજતા મૃતકના પરિવારજનોએ હંગામો મચાવ્યો છે. આ મૃતકનાં પરિવારજનોની માંગ છે કે, જ્યાં સુધી તબીબ સામે ગુનો નોંધવામાં નહીં આવે ત્યાં સુધી અમારા સમાજની માતા-બહેનો, વડીલો અને યુવાનો ઘરણા પર જ બેસી રહીશું. પરિવવારજનોએ ડૉક્ટરની ધરપકડની માંગ સાથે હૉસ્પિટલ આગળ ધરણા પર બેસી ગયા છે.બનાસકાંઠાના ઈકબાલગઢ પાસે ખેમરેજા ગામની એક મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતાં તેને સત્યમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જોકે, પ્રસૂતિ દરમિયાન મહિલાનું કરૂણ મોત નીપજ્યું હતું અને નવજાત બાળક જન્મતાની સાથે માતા વિહોણું બની ગયું હતું. ઘટનાની જાણ થતાં મૃતકના સગા સંબંધીઓ હૉસ્પિટલ આગળ એકઠા થઇ ગયા હતા અને સત્યમ હોસ્પિટલના ડૉ.ચિરાગ પરમારની બેદરકારીના કારણે મહિલાનું મોત થયું હોવાના આક્ષેપો લગાવ્યાં છે. આ સાથે મૃતકનાં પરિવારજનોએ અમીરગઢ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. જ્યાં પોલીસે સમગ્ર ઘટના મામલે અકસ્માતે મોત થયું હોવાની ફરિયાદ દાખલ કરતા મૃતકના પરિવારજનો રોષે ભરાયા હતા અને તબીબની બેદરકારીના કારણે જ મોત થયું હોવાની વાત પર અડગ રહી 500થી પણ વધુ લોકો હૉસ્પિટલ આગળના ધરણા પર બેસી ગયા હતા. તેમજ જ્યાં સુધી ડોક્ટર સામે ફરિયાદ દાખલ નહીં થાય ત્યાં સુધી હોસ્પિટલ આગળ ધરણા ચાલુ રાખવાની અને લાશ પણ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો.મૃતકનાં પરિવારજને જણાવતા કહ્યું કે, સત્યમ હૉસ્પિટલના ડૉક્ટરે પ્રસૂતા પહેલા અમને કહ્યું હતું કે, મહિલા અને બાળક બંન્ને સુરક્ષિત છે. તે બાદ ઓપરેશન કરાવ્યું પરંતુ ઓપરેશન બાદ મહિલા ભાનમાં જ આવ્યાં નહીં. જેથી તેમને પાલનપુર લઇ જવામાં આવ્યાં હતા. પાલનપુર હૉસ્પિટલમાં સંઘરવામાં ન આવતા તેમને મહેસાણા લઇ જવામાં આવ્યાં હતા. મહેસાણા મોકલતા રસ્તામાં જ તેમનું મૃત્યું નીપજ્યું હતું. જે બાદ એમ્બ્યુલન્સવાળા પણ તેમને ત્યાં છોડીને ભાગી ગયા હતા.પરિવારજને વધુ જણાવતા કહ્યું કે, જેથી અમારા સમાજનાં અનેક લોકો અહીં એકઠા થયા છે. અમને પહેલા અમીરગઢ ગયા જ્યાં એફઆઈઆર નોંધવાની અમને સ્પષ્ટ ના પાડી દીધી હતી. અમે આદિવાસી સમાજને એક ફરિયાદ નોંધાવવા માટે પણ ઘરણા પર બેસવુ પડે છે એ શરમની વાત છે. જ્યાં સુધી ડૉક્ટર સામે ફરિયાદ નોંધાઇ નહીં ત્યાં સુધી અમારા સમાજની માતા-બહેનો, વડીલો અને યુવાનો બધા જ અહીં ઘરણા પર બેસી રહેવાના છે.બનાવને પગલે ડીસા વિભાગના ડીવાયએસપી અને દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસ તેમજ મૃતકના પરિવારજનોને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે આ મામલે મૃતકના પરિવારજનો તો કોઈપણની વાત સાંભળવા તૈયાર નથી અને જ્યાં સુધી તબીબ સામે ફરિયાદ નહીં થાય ત્યાં સુધી ધરણા પરથી ઉઠવાનો ઇનકાર કર્યો છે. તો બીજી તરફ પોલીસે પણ સમજાવવાના પ્રયાસો ચાલુ રાખવા છતાં વહેલી સવાર સુધી મૃતકના પરિવારજનો ડોક્ટર સામે ફરિયાદ ની વાત પર અડગ રહી ધરણાં ચાલુ રાખ્યા છે.
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રિલાયન્સે ઈ-ફાર્મસીમાં કરેલા રોકાણે ઊહાપોહ કેમ સર્જ્યો?