pragnesh patel chargesheet
તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશની ઓડિયો ક્લીપ વાયરલ થતાં વોઈસ સ્પેકટોગ્રાફી ટેસ્ટ કરાવવા તજવીજ શરૂ કરાઈ
હવે 3 ઓગષ્ટે પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર સુનાવણી થશે
શહેરના ઈસ્કોન બ્રિજ પર અકસ્માત જોવા માટે ઉભા રહેલા લોકોમાંથી 9 વ્યક્તિઓને જેગુઆર કારથી કચડી નાંખનાર આરોપી તથ્ય પટેલની ચાર્જશીટ ફાઈલ કરી દેવામાં આવી છે. તથ્યને કોર્ટે જેલ હવાલે કર્યો છે. હવે આ કેસ કોર્ટમાં ચાલશે. ત્યારે તેના પિતા પ્રજ્ઞેશ પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. પ્રજ્ઞેશ પટેલે અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં જામીન અરજી કરી હતી. આ મામલે કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ નહીં થતાં મુદ્દત પડી છે. હવે આગામી સુનાવણી ના થાય ત્યાં સુધી પ્રજ્ઞેશ પટેલે જેલમાં જ રહેવું પડશે. આગામી ત્રીજી ઓગસ્ટે આ કેસની સુનાવણી યોજાશે.
વોઈસ સ્પેકટોગ્રાફી ટેસ્ટ કરાવવા તજવીજ શરૂ
તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની એક ઓડિયો ક્લિપ વહેતી થઇ છે. જેમાં પ્રજ્ઞેશ પટેલ કોઈની સાથે વાત કરી રહ્યા છે. જો કે આ ઓડિયો ક્લિપ અકસ્માત પછી કયારની છે તે જાણી શકાયુ નથી. પરંતુ આ ઓડિયો ક્લિપમાં પ્રજ્ઞેશ તેના દીકરાની ભૂલ સ્વીકારવાના બદલે 19 - 20 વર્ષના છોકરાઓથી આવુ કોક વાર થઈ જાય, તેનું ટેન્શન નહીં લેવાનું, તેને આખી જિંદગી કઈ નહીં થાય, પણ એને માપમાં રાખવાના, એ મારી રીતે રાખી લઈશ. ટેન્શન ના કરીશ. તેવી વાત કરી રહ્યો છે. જો કે, સામે પ્રજ્ઞેશ સાથે કોણ વાત કરી રહ્યું છે તે જાણી શકાયું નથી. જો કે સોશિયલ મીડિયામાં વહેતી થયેલી આ ક્લિપ અમદાવાદ પોલીસ પાસે પણ પહોંચી છે. જેના આધારે પોલીસે તે ઓડિયો ક્લિપમાં જે અવાજ છે તે ખરેખર પ્રજ્ઞેશનો જ છે કે નહીં તેની ખરાઈ કરવા માટે તેનો વોઈસ સ્પેકટોગ્રાફી ટેસ્ટ કરાવવા તજવીજ શરૂ કરી છે.
હિમાંશુ વારિયા અને પ્રજ્ઞેશ પટેલ હકિકતમાં ભાગીદાર
તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલ અને હિમાંશુ વારિયા ભાગીદાર હોવાનો દાવો પ્રજ્ઞેશ પટેલે કર્યો હતો. જો કે, હિમાંશુ વારિયાએ પોતે પ્રજ્ઞેશનો ભાગીદાર ના હોવાનો દાવો કર્યો હતો તે તદ્દન ખોટો છે અને હિમાંશુ વારિયા જુઠ્ઠુ બોલી રહ્યો છે. વાલ્કો રિસોર્સિસ (OPC) પ્રા. લિ, કંપનીમાં હિમાંશુ વારિયા પ્રજ્ઞેશ પટેલનો પાર્ટનર છે. તે ROC( રજિસ્ટર્ડ ઓફ કંપની)માં રજિસ્ટર્ડ છે. આ કંપનીમાં હિમાંશુ વારિયાનો પુત્ર ક્રિશ અને પ્રજ્ઞેશની પત્ની નીલિમા પટેલ ડાયરેક્ટર હોવાનું બતાવ્યું છે. છેલ્લા દોઢ વર્ષથી આ કંપની ચાલતી હોવાનું જાણવા મળ્યું છે.
પ્રજ્ઞેશના પિતા હર્ષદ પટેલ સામે પણ ઠગાઈની ફરિયાદ
આ ઉપરાંત હિમાંશુના પાર્ટનર પ્રજ્ઞેશ પટેલ સામે ઈસ્કોન ગ્રૂપના બિલ્ડર પ્રવિણ કોટકના સગા જયેશ કોટકે ઓગસ્ટ 2012માં 9.82 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. પ્રજ્ઞેશે જયેશ કોટકને જમીન વેચવાની નક્કી કરી હતી અને તે પેટે પૈસા લઈને બાનાખત પણ કરી આપ્યો હતો. થોડા સમય પછી જે જમીનનો બાનાખત જયેશ કોટકને કરી આપ્યો હતો તે જ જમીનનો અન્ય કોઈ વ્યક્તિને પણ જયેશ કોટકને અંધારામાં રાખીને બાનાખત કરી આપ્યો હતો. તેના કારણે વિવાદ થયો હતો. જેથી પ્રજ્ઞેશ અને તેના પિતા હર્ષદ પટેલ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી.