Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આજે પીએમ મોદી ગુજરાતના પ્રવાસે, વિશ્વના સૌથી મોટા અલ્ટ્રા મેગા હાઇબ્રીડ પાર્કનો કરશે શિલાન્યાસ

આજે પીએમ મોદી ગુજરાતના પ્રવાસે, વિશ્વના સૌથી મોટા અલ્ટ્રા મેગા હાઇબ્રીડ પાર્કનો કરશે શિલાન્યાસ
, મંગળવાર, 15 ડિસેમ્બર 2020 (09:04 IST)
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. ૧૫ ડિસેમ્બર, મંગળવારે એટલે કે આજે કચ્છના એક દિવસીય પ્રવાસે આવશે. વડાપ્રધાન કચ્છના માંડવી ખાતે ડિસેલિનેશન પ્લાન્ટ તેમજ વિશ્વના સૌથી વિશાળ રિન્યુએબલ એનર્જી પાર્કનું કચ્છના ટેન્ટ સિટી, ધોરડોથી મંગળવાર બપોરે ૨.૦૦ કલાકે ખાતમૂર્હુત કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી પ્રધાનમંત્રી સાથે આ અવસરે ઉપસ્થિત રહેવાના છે. કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે તેઓ કચ્છના કૃષક સમુદાય ઉપરાંત ગુજરાતમાં વસતા પંજાબી ખેડૂતો સાથે પણ મુલાકાત કરશે. પીએમ મોદી કેટલાક પ્રોજેક્ટ્સનું ભૂમિપૂજન કરશે અને કચ્છના ધોરડોમાં ખેડૂતો અને કલાકારો સાથે સંવાદ કરશે. મુખ્ય કાર્યક્રમ અગાઉ તેઓ કચ્છના ખેડૂતો સાથે  ચર્ચા કરશે.

વડાપ્રધાન ભુજ એરપોર્ટથી સીધા ધોરડો પહોંચશે અને દરિયાના પાણીને મીઠા બનાવવાના કચ્છના ગુંદિયાળી સહિત સૌરાષ્ટ્રના ગાંધીવી-દ્વારકા, ઘોઘા-ભાવનગર, સુત્રાપાડા-સોમનાથ મળીને ચાર ડિસેલીનેશન પ્લાન્ટનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરશે. પ્રધાનમંત્રી કચ્છ સરહદે મોટા રણમાં સૌરઊર્જા અને પવનચક્કીથી ઉભા થનારા વિશ્વના સૌથી મોટા ૩૦ હજાર મેગાવોટની ક્ષમતાના હાઇબ્રીડ એનર્જી પાર્કનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન પણ કરશે.

તેઓ સરહદ ડેરી દ્વારા અંજાર ભચાઉ વચ્ચે ઉભા કરાનાર બે લાખ લીટર દૂધના ચિલિંગ પ્લાન્ટનું ભૂમિપૂજન પણ કરવાના છે. ધોરડો ખાતે વડાપ્રધાન કચ્છના પ્રગતિશીલ ખેડૂતોને અને કચ્છ સરહદે ખેતી કરતા પંજાબી ખેડૂતોને મળી તેમને સાથે વાર્તાલાપ કરશે અને કચ્છના હસ્તકલા કારીગરોને પણ મળશે. પ્રધાનમંત્રી ટેન્ટસિટીમાં રણ વચ્ચે ઉભા કરાયેલા વિશાળ ડોમમાંથી આ બધા વિકાસ કાર્યોનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં કચ્છના ધોરડો ખાતેથી રાષ્ટ્રિય કિસાન વિકાસ યોજના અંતર્ગત કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. દ્વારા અંદાજે રૂ. ૧૨૯ કરોડથી વધુના ખર્ચે સ્વંય સંચાલિત ડેરી પ્લાન્ટની ડિજિટલ માધ્યમથી ભૂમિપૂજન વિધિ સંપન્ન કરશે.

અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી હતા ત્યારે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૮.૩૭ કરોડની સહાયથી કચ્છ જિલ્લામાં વર્ષ ૨૦૧૩-૧૪માં બે લાખ લીટરના પ્રોસેસીંગ ક્ષમતાનો પ્રથમ ડેરી પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો હતો.

અગાઉ આ પ્લાન્ટનું કાચુ દૂધ અમુલ ડેરીને ગાંધીનગર ખાતે મોકલી આપવામાં આવતું હતું અને પરત પ્રોસેસ કરી કચ્છમાં વહેચવામાં આવતું હતું. હવે આ પ્લાન્ટ થકી વધુ બે લાખ લીટર દૂધ તથા છાસની પ્રોસેસ કરી અમુલ બ્રાન્ડ હેઠળ કચ્છમાં વેચાણ કરવામાં આવશે.
વડાપ્રધાન ભૂકંપગ્રસ્તોની સ્મૃતિમાં ભુજમાં બની રહેલા મેમોરિયલ પાર્કની મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અધિકારીઓ સાથે સમીક્ષા કરશે અને મોડી સાંજે નવી દિલ્હી પરત જશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પ્રોપર્ટીમાં રોકાણ કરવાનો હાલ ઉત્તમ સમય, નીચા વ્યાજદરોથી ટેકો મળ્યો: ગગન ગોસ્વામી