Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પરેશ ધાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખી કરી માંગણી, કોરોનાને ”હેલ્થ ડીઝાસ્ટર” જાહેર કરી દર્દી તથા પરિવારજનોને આર્થિક સહાય આપવામાં આવે

પરેશ ધાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખી કરી માંગણી, કોરોનાને ”હેલ્થ ડીઝાસ્ટર” જાહેર કરી દર્દી તથા પરિવારજનોને આર્થિક સહાય આપવામાં આવે
, મંગળવાર, 11 મે 2021 (11:08 IST)
વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને કોરોના મહામારીને ‘હેલ્થ ડીઝાસ્ટર’ જાહેર કરીને મહામારીનો ભોગ બનેલ લોકો અને તેમના પરિવારોને ગુજરાત સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-૨૦૦૩ અને ધી ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-૨૦૦૫ અંતર્ગત આર્થિક સહાય આપવા માગણી કરી છે.
 
વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રીને લખેલ પત્રમાં જણાવેલ છે કે, છેલ્લા દોઢ વર્ષથી ગુજરાત સહિત સમગ્ર દેશ અને દુનિયાને સદીની સૌથી મોટી કોરોના મહામારીએ ભરડો લીધો છે. હાલમાં ગુજરાતમાં કોરોનાની બીજી લહેર દરમિયાન નવા સ્ટ્રેઈનની આક્રમકતા અને વ્યાપકતા, સમગ્ર શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ઘાતક પુરવાર થઈ રહેલ છે, ત્યારે કુદરતી આપત્તિઓ સમયે પ્રજાની વ્હારે આવવું એ દરેક સરકારની ફરજ છે.
 
કુદરતી આપત્તિઓમાં ભોગ બનેલ લોકોને સાત્વના, સારવાર અને આર્થિક સહાય ઉપલબ્ધ કરાવવી, જે બાબત ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટથી સરકાર ઉપર લાદવામાં આવેલ સંવૈધાનિક ફરજ છે.
 
આ એકટ અંતર્ગત અછત, પૂર, ભૂકંપ, વાવાઝોડા વિગેરે કુદરતી આપત્તિઓ સમયે  કેશડોલ્સ, ધરવખરી, મકાન, પશુપાલન અને ખેતી પાકોને થયેલ નુકશાનીનું વળતર ચૂકવવામાં આવે છે તેમજ અપંગતા અને મૃત્યુ અંગે સહાય ચૂકવવામાં આવે છે.
 
હાલ આ જ કાયદાઓ હેઠળ જુદા જુદા નોટિફીકેશનો બહાર પાડી અને સરકારને મળેલા વિશેષાધિકાર અંતર્ગત શિક્ષકોને સ્મશાને મૃતાંક છુપાવવાની જવાબદારીઓ સહિત સરકારી તંત્રને ફરજીયાત સેવા માટે દબાણ પુર્વક ફરજ પાડવામા આવી રહી છે તેમજ સામાન્ય માણસો પાસે આકરી દંડનીય કાર્યવાહીથી કરોડો રુપિયાની ઊધરાણી કરવામાં આવેલ છે, પરંતુ હાલ પર્યત આ કાયદા અન્વયે કોઈપણ અસરગ્રસ્ત દર્દીઓને સારવાર કે સહાય આપવામાં આવી નથી, જે અતી દુઃખદ છે. 
 
ગત વર્ષથી રાજ્યમાં કોરોના મહામારીનો અસંખ્ય લોકો ભોગ બનેલ છે અને હજારો લોકો મૃત્યુ પામેલ છે તેવા સમયે આ કાયદામાં સહાય ચૂકવવાની જોગવાઈ હોવા છતાં પણ રાજ્ય સરકાર પોતે જ ઘડેલા કાયદાનું ઉલ્લંઘન કરીને પ્રજાને મળવાપાત્ર સહાયથી વંચિત રાખે છે તે બિલકુલ વ્યાજબી નથી, ત્યારે સરકારે કોરોના મહામારીમાં મૃત્યુ પામેલ તમામ વ્યક્તિઓના પરિવારોને આર્થિક સહાય ચૂકવવી જોઈએ તથા તે અંગેના ધોરણો, માપદંડો નિર્ધારીત કરવાની કાયદાથી લાદેલી સંવૈધાનિક ફરજો પણ સરકારે અદા કરવી જોઈએ.
 
કોરોના વાયરસને ફેલાતો અટકાવવા કેન્દ્ર સરકાર દ્વારા ૨૪-૩-૨૦૨૦થી લોકડ઼ાઉન કરવામાં આવેલ, જે તા. ૩૧-૫-૨૦૨૦ સુધી અમલમાં હતું અને હાલમાં લોકડાઉન નથી, પરંતુ લોકો ભયના ઓથાર હેઠળ સ્વૈચ્છિક લોકડાઉન પાળી રહ્યા છે ત્યારે લગભગ તમામ પ્રકારના ધંધા-રોજગાર બંધ છે અને ફરી ક્યારે પૂર્વવત થશે તે નક્કી નથી તેવા સંજોગોમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે રોજીરોટીની સમસ્યા ઊભી થઈ છે અને જીવન જીવવું મુશ્કેલ થઈ ગયેલ છે.
 
ઉપરોક્ત અતી વિપરીત સંજોગોમાં સરકારે નીચે મુજબની સત્વરે સહાય ચૂકવવા માટે આગ્રહપૂર્વકની લાગણી અને
માંગણી સહ ભલામણ કરી છે.
 
(૧) કોરોના સંક્રમણના કારણે પ્રાથમિક સારવાર મેળવતા-મેળવેલ દર્દીઓને રૂ.૧૦,૦૦૦
(૨)કોરોના સંક્રમણના કારણે કોવિડ કેર સેન્ટર-હોમ આઈસોલેશનમાં સારવાર લેતા દર્દીઓને રૂ. ૨૫,૦૦૦
(૩)કોરોના સંક્રણના કારણે હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દીઓને રૂ. ૧,૦૦,૦૦૦
(૪) કોરોના સંક્રમણથી શંકાસ્પદ મૃત્યુ પામેલના પરિવારજનોને રૂ. ૨,૦૦,૦૦૦
(૫) કોરોના સંક્રમણની આડઅસરથી થયેલ મૃત્યુ પામનારના પરિવારજનોને રૂ. ૩,૦૦,૦૦૦
(૬)કોરોના સંક્રમણથી થયેલ મૃત્યુ પામનારના પરિવારજનોને રૂ. ૪,૦૦,૦૦૦

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કાળાબજારીઓ પોલીસે પાથરી જાળ, ઇંજેક્શનની કાળા બજારી કરતા યુવક-યુવતીની ધરપકડ