લોકરક્ષક પેપરલીક કૌભાંડ: ત્રણ આરોપીએ પ્રિન્ટિંગ પ્રેસની ગ્રીલ તોડીને પેપરની ચોરી કરી હતી
, ગુરુવાર, 3 જાન્યુઆરી 2019 (12:49 IST)
ગુજરાતમાં લોકરક્ષકની ભરતી માટેની પરીક્ષાના પેપરલીક કાંડમાં પોલીસે મુખ્ય સૂત્રધાર ગણાતા વિનય રમેશ અરોરા, મહાદેવ દત્તાત્રેય અસ્તુરે અને વિનોદ બંસીલાલ રાઠોડ નામના આરોપીની ધરપકડ કરીને ષડ્યંત્રના પર્દાફાશનો દાવો કર્યો છે. આ કૌભાંડમાં મોટા માથાઓના નામ પ્રકાશમાં આવ્યા નથી. આરોપીઓને કર્ણાટકના મનીપાલ પ્રેસમાં લોકરક્ષકની ભરતી માટેની પરીક્ષાના પેપરો છપાવવાના હોવાની જાણ થતા જ મનીપાલ જઈને પ્રિન્ટિંગ પ્રેસની દીવાલ કૂદીને છપાયેલા પેપરોના ફોટા પાડીને દિલ્હી પરત આવી ગયા હતા. પોલીસનો આ ખુલાસો ઘણા બધાને ગળે ઊતરે તેવો નથી. પોલીસે એવો પણ દાવો કર્યો હતો કે આરોપીઓ હરિયાણાની પરીક્ષાનું પેપર લીક કરવા માટે ગયા હતા અને ગુજરાતની લોકરક્ષક ભરતીનું પેપર હાથમાં આવી ગયું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત લોકરક્ષક ભરતી પેપરલીક કાંડમાં કુલ ૧૪ જેટલા આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. ડીજીપી શિવાનંદ ઝાના કહેવા મુજબ જે મુખ્ય ત્રણ સૂત્રધારો છે એમાં વિનય રમેશ અરોરા સોનેપત હરિયાણાનો રહેવાસી છે. જ્યારે બે આરોપી કર્ણાટકના છે. આ ત્રણેય આરોપી સાથે ચોથો આરોપી દિલ્હીના પોલીસ પરિવાર સાથે જોડાયેલો છે તેના ડોક્યુમેન્ટ ભરતીમાં ખોટા હોવાનું સાબીત થતા વિનોદ ચિક્કારા નામનો આરોપી પેપર ફોડવાના ધંધામાં લાગી ગયો હતો. પોલીસની ભરતી માટેના પેપર કર્ણાટકની મણીપાલ છપાવવાના હોવાની જાણ થતા આરોપીઓ નવેમ્બરમાં કર્ણાટક ગયા હતા અને મણીપાલ પ્રેસની નજીક ગેસ્ટ હાઉસમાં રોકાઈન તા. ૨૦મી નવેમ્બરે પ્રિન્ટિંગ પ્રેસની પાછળની દીવાલ કૂદીને ગ્રીલ તોડી અંદર જઈને પ્રિન્ટિંગ થયેલા પેપરના ફોટા પાડી બહાર નીકળી તોડેલી ગ્રીલ સીધી કરી જેથી કોઈને ખ્યાલ ન આવે તે રીતે ચોરી કરી દિલ્હી આવી ગયા હતા.
આગળનો લેખ