છેલ્લા 24 કલાકમાં માત્ર ત્રણ તાલુકામાં વરસાદ નોંધાયો, રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો કુલ 4.80 ઇંચ વરસાદ
, મંગળવાર, 6 જુલાઈ 2021 (11:30 IST)
રાજ્યમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં વરસાદે વિરામ લેતાં બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ચોમાસાની સારી જમાવટ થયા બાદ અચાનક વરસાદે વિરામ લેતાં ગરમી અને બફારાનું પ્રમાણ વધી ગયું છે. ખાનગી હવામાન એજન્સી મુજબ, રાજ્યમાં 15 જુલાઈ સુધી 20 મિમી સુધી જ વરસાદની સંભાવના છે. વરસાદ ખેંચાતાં રાજ્યમાં ચોમાસાની આ સીઝન દરમિયાન અત્યારસુધી સરેરાશ 4.80 ઈંચ જેટલો જ વરસાદ નોંધાયો છે, જ્યારે 1991થી 2020 સુધીમાં ચોમાસાની સીઝન દરમિયાન રાજ્યમાં સરેરાશ 33 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ત્રણ જિલ્લાના ત્રણ તાલુકામાં જ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નર્મદાના ડેડિયાપાડામાં 7 મી.મી. ડાંગના વઘઈમાં 3 મી.મી અને વલસાડમાં 2 મી.મી વરસાદ નોંધાયો છે. રાજ્યમાં કચ્છમાં ચોમાસાની અત્યાર સુધીની સીઝનનો સરેરાશ 2.2 ઈંચ વરસાદ થયો છે, ઉત્તર ગુજરાતમાં અત્યારસુધીની સીઝનનો 3.66 ઈંચ વરસાદ પડ્યો છે. મધ્ય ગુજરાતમાં અત્યારસુધીની ચોમાસાની કુલ સીઝનનો 4.80 ઈંચ વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં અત્યારસુધીની કુલ સીઝનનો 3.3 ઈંચ જેટલો વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતમાં સીઝનનો અત્યારસુધીનો કુલ 9.37 ઈંચ વરસાદ થયો છે. ઉત્તર ગુજરાતમાં જૂન મહિનામાં સરેરાશ 3.6 ઈંચ વરસાદ વરસ્યો છે, જે છેલ્લાં 7 વર્ષમાં બીજો સૌથી વધુ વરસાદનો રેકોર્ડ બન્યો છે. છેલ્લાં 7 વર્ષમાં 2015માં સૌથી વધુ સરેરાશ 4.5 ઈંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે સૌથી ઓછો સરેરાશ 1.10 ઈંચ વરસાદ 2016માં રહ્યો હતો. ઉપરાંત વર્ષ 2017માં સરેરાશ 3.4 ઈંચ, વર્ષ 2018માં સરેરાશ 2.5 ઈંચ, વર્ષ 2019માં સરેરાશ 3.5 ઈંચ અને વર્ષ 2020માં સરેરાશ 2.88 ઈંચ વરસાદ નોંધાયો હતો. પ્રાઈવેટ હવામાન એજન્સી સ્કાયમેટની આગાહી મુજબ રાજ્યભરમાં હજુ પણ 15 જુલાઈ સુધી રાજ્યમાં 20 મી.મીથી વધારે વરસાદ દેખાઈ રહ્યો નથી. ગુજરાતમાં ખરીફ સીઝનમાં ખેડૂતોએ અત્યાર સુધીમાં 19.25 ટકા એટલે કે 25 લાખ હેક્ટર જમીનમાં વાવણી કરી દીધી છે. એવામાં હજુ પણ વરસાદ ખેંચાશે તો ખેડૂતોને પાક સુકાઈ જવાની ચિંતા સતાવી રહી છે. હજુ આગામી 12-15 દિવસમાં કોઇ સિસ્ટમ સર્જાય નહીં તો વાવેતર કરાયેલા પાકને નુકસાનની ભીતિ ખેડૂતોને છે. આ ઉપરાંત રાજ્યમાં હાલ 207 જળાશયોમાં 39.10% જળસ્તર છે. જેમાં રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવરમાં 42.18% જળ સંગ્રહ છે. રાજ્યમાં હાલ માત્ર બે જળાશયો જ એવા છે જે સંપૂર્ણ ભરાયા છે. રાહતની વાત એ છે કે, હવામાન વિભાગના મતે આગામી પાંચ દિવસ દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. વાવણી બાદ મોટા ભાગના વિસ્તારમાં વધુ વરસાદ પડયો નથી, એટલે કૂવાના તળ જેટલાં આવવાં જોઇએ એટલાં આવ્યાં નથી. આવા સંજોગોમાં જે ખેડૂતો પાસે કૂવો છે તેઓ પાકને પાણી આપી શકે છે, પણ જેમની પાસે નથી તેઓ વરસાદની રાહ જોઇ રહ્યા છે. આવા સંજોગોમાં એકાદ સપ્તાહમાં વરસાદ થાય તો સારું, નહીં તો પાક નિષ્ફળ જાય એવી સ્થિતિ હોવાનું ખેડૂતોનું કહેવું છે.
આગળનો લેખ