Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુરત શહેર સહિત જિલ્લાના પણ વિવિધ તાલુકામાં વરસાદ

સુરત શહેર સહિત જિલ્લાના પણ વિવિધ તાલુકામાં વરસાદ
, શુક્રવાર, 19 નવેમ્બર 2021 (22:35 IST)
સુરત શહેર સહિત જિલ્લાના પણ વિવિધ તાલુકામાં વરસાદ પડ્યો હતો. સવારથી જ વાદળછાયું વાતાવરણ જોતા સાંજ સુધીમાં વરસાદ થાય તે પૂરી શક્યતા હતી. સતત થતાં ઉકળાટના કારણે મોડી સાંજ સુધીમાં વાતાવરણમાં પલટો આવતા પલસાણા તાલુકામાં 74 મિમિ, મહુવામાં 16 મિમિ, કામરેજમાં 22 મિમિ, ઓલપાડમાં 42 મિમિ, મોડવીમાં 3 મિમિ અને માંગરોળમાં 2 મિમિ વરસાદ વરસ્યો હતો. પલસાણામાં ધોધમાર વરસાદ આવતાની સાથે જ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. પલસાણામાં છેલ્લા બે દિવસથી અવિરત પણે વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
 
બીજી તરફ વાદળછાયા વાતાવરણથી ખેડૂતોની ચિંતા વધી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે આગામી ત્રણ દિવસ 40 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. તેમજ રાજ્યમાં આવતીકાલ સુધી ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ થવાની સંભાવનાઓ છે. રાજ્યમાં માવઠાની આગાહીને પગલે શિયાળુ પાકને નુકસાન થઈ શકે છે.
 
હવામાન ખાતાએ માવઠાની આગાહી કરતા જણાવ્યું છે કે, તા.19ના રોજ દમણ, દાદરા નગર હવેલી, આણંદ, દાહોદ, પંચમહાલ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. તા.20ના રોજ ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
 
ખેડૂતોને પણ ચિંતા છે કે હજી બે ચાર દિવસ આજ રીતે વરસાદી માહોલ રહેશે તો મુશ્કેલી ઉભી થઈ શકે છે. દિવાળી બાદ જ્યારે વરસાદી ઝાપટા આવે છે ત્યારે શિયાળુ પાક ઉપર તેની સીધી અસર થતી હોય છે. વાતાવરણમાં આવેલા પલટાને કારણે ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશનના કારણે હવામાનમાં પલટો દેખાઈ રહ્યો છે. વાદળછાયું વાતાવરણ દૂર નહીં થાય તો ખેતીને અસર થશે. ગઈકાલે બારડોલી સહિતના તાલુકામાં થયેલા વરસાદના કારણે શેરડીના ઉભા પાકને કાપી પીલાણ માટે મોકલવી ખેડૂતો માટે મુશ્કેલ થઈ જાય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રસી લેશો તો તેલ ફ્રી - જેમણે વેક્સીન નથી લીધી તેમને વેક્સિન લેવા પ્રેરિત કરવાનો સરકારનો નવો પ્રયોગ