રાજયમાં છેલ્લા કેટલાક સમયથી હોટલ-રેસ્ટોરન્ટ અને ખાણીપીણી કેન્ટીનમાં ખાવામાં ભેળસેળ કે જીવજંતુ મળવાની ફરિયાદો ઉઠતા સરકારે હોટલો, રેસ્ટોરન્ટ અને કેન્ટીનમાં કોઇપણ ગ્રાહક જઇને કીચન અને ભોજન બનાવતા હોય તે જોઇ શકશે તેવી મંજૂરી આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.
હોટલો, રેસ્ટોરન્ટ અને કેન્ટીનના રસોડાની બહાર લગાવેલ ‘નો એડમીશન વિધાઉટ પરમીશન’ ના પાટિયા હટાવી લેવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યના ફુડ એન્ડ ડ્રગ્સ કમિશનર એચ.જી. કોશિયાએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને શુદ્ધ અને સાત્વિક ખોરાક મળી રહે એ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
રાજ્યના નાગરિકોને હોટલ, રેસ્ટોરન્ટમાં પીરસાતો ખોરાક વધુ શુદ્ધ અને સ્વચ્છ તથા હાઇજેનીક મળી રહે એ માટે આ મહત્વનો નિર્ણય કર્યો છે. હોટલ, રેરસ્ટોરન્ટમાં પણ તૈયાર થતો ખોરાક નાગરિકો જોઇ શકે એ માટે હોટલ માલિકોએ કાચની બારી તથા દરવાજો રાખવાનો રહેશે. હોટલમાં હવેથી ‘નો એડમીશન વિધાઉટ પરમીશન’ અથવા ‘એડમીશન ઓન્લી વીથ પરમીશન’ જેવા બોર્ડ લગાવ્યા હોય તો તાત્કાલિક હટાવી લેવાના રહેશે, તે માટે માલિકોને બે અઠવાડિયા સુધીનો સમય અપાશે.
આ અંગે નાગરિકોને કોઇ ફરિયાદો હોય તો જિલ્લા કક્ષાએ ડેઝીગ્નેટેડ ઓફિસર તથા ફુડ સેફટી અધિકારીને ફરિયાદ કરી શકાશે. આ માટે કસુરવારો સામે ફુડ સેફટી એકટ મુજબ રૂ. ૧ લાખ સુધીના દંડની જોગવાઇ કરવામાં આવી છે.