સરકાર વિદ્યાર્થીઓને નમો ટેબલેટ આપીને શિક્ષણમાં એક નવો અધ્યાય શરુ કરવા જઈ રહી છે. ત્યારે તેના અવળા પડઘા પણ પ્રકાશમાં આવી રહ્યાં છે. અમદાવાદ શહેરની સહજાનંદ કોલેજના ત્રીજા સેમિસ્ટરના એક વિદ્યાર્થીએ નમો ટેબ્લેટ માટે ગત વર્ષે માટે ફી ભરી હતી. લગભગ 1 વર્ષ પછી વિદ્યાર્થીને ટેબ્લેટને બદલે માત્ર ચાર્જર મળ્યું છે. વિદ્યાર્થીએ વિદ્યાર્થી સેનાના વડા વિષ્ણુપ્રસાદ દેસાઈને જાણ કરી હતી. યુનિવર્સિટીમાં રજૂઆત કરીને વિદ્યાર્થીને ટેબ્લેટ આપવાની, જવાબદારો સામે પગલા ભરવાની માંગણી કરાઈ છે.
વિદ્યાર્થી રાજ પરમારે યુનિવર્સિટીના કુલપતિ ડો હિમાંશુ પંડ્યાને લેખિત રજૂઆતમાં જણાવ્યું કે,‘હું સહજાનંદ કોમર્સ કોલેજમાં સેમિસ્ટર-3માં અભ્યાસ કરું છું. હું સેમિસ્ટર-1માં અભ્યાસ કરતો ત્યારે 5 ઓગસ્ટ 2017ના દિવસે કોલેજ તરફથી મારી પાસેથી રૂ. 1000 ટેલ્બેટ માટે લેવામાં આવ્યા હતા. તે પછીથી 29 ઓક્ટોબરે કોલેજ તરફથી મને જે ટેબ્લેટનુ બોક્સ આપવામાં આવ્યું હતું. તે ખોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટા સાથેની સરકારી જાહેરાતના કાગળિયા હતા. મારા સહિતના અનેક વિદ્યાર્થીઓ એવા પણ છે કે જેમનો અભ્યાસ પૂર્ણ થયો છે, પરંતુ ટેબ્લેટ મળ્યા નથી.’