Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જૂનાગઢમાં ફૂટપાથ પર ચંપલ સીવતા મોચીને આવકવેરા વિભાગની નોટીસ મળી c

જૂનાગઢમાં ફૂટપાથ પર ચંપલ સીવતા મોચીને આવકવેરા વિભાગની નોટીસ મળી c
, સોમવાર, 3 એપ્રિલ 2017 (14:37 IST)
નોટબંધીની સ્થિતિ બાદ બેન્કોમાં થયેલા વ્યવહારો અંગે આવકવેરા વિભાગ નોટીસો ફટકારી રહ્યું છે. ત્યારે જૂનાગઢમાં ફૂટપાથ ઉપર બેસીને બુટ-ચપ્પલમાં ટાંકા મારતા એક સાવ સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા મોચીને પણ આવકવેરા વિભાગની નોટીસ મળી છે. જૂનાગઢની કચેરી દ્વારા ઈસ્યુ કરાયેલી આ નોટીસમાં રૃ.૧૦ લાખના બેન્ક વ્યવહારો અંગેનો ખુલાસો માગવામાં આવ્યો છે ! જો કે અસરગ્રસ્ત વૃદ્ધ કહે છે કે, તેણે જીવનમાં ક્યારેય એક સામટા આટલા રૃપિયા જોયા પણ નથી. ત્યારે નોટીસ આપવામાં કોઈ છબરડો લાગ્યો છે કે,

આ વૃદ્ધની જાણ બહાર તેના બેન્કખાતાનો ઉપયોગ થયો છે ? તે ગંભીર તપાસનો વિષય બન્યો છે. જૂનાગઢ શહેરના એમ.જી. રોડ ઉપર મજમુદારના ડેલાની પડખે જ છેલ્લા પચ્ચીસેક વર્ષથી એક મોચી મનસુખભાઈ રામજીભાઈ મકવાણા રસ્તા ઉપર બેસીને બુટ-ચપ્પલને ટાંકા મારવાનું કામ કરે છે. થોડા દિવસો પહેલા ટપાલીએ આવીને તેને એક કવર આપ્યું, આ કવર ઉપર જૂનાગઢ આવકવેરા વિભાગની કચેરીનું સરનામુ હતું. કવર ખોલતા તેમાંથી અંગ્રેજી અને હિન્દી ભાષામાં લખાયેલી એક નોટીસ નિકળી. આસપાસના લોકોને પુછતા જાણવા મળ્યું છે કે, આ નોટીસ આવકવેરા વિભાગની છે અને તેમના બેન્ક ખાતામાં થયેલા રૃ.૧૦ લાખથી વધુના વ્યવહારો અંગેના આધાર-પુરાવા માગવામાં આવ્યા છે. મનસુખભાઈ જણાવે છે કે, બે બેન્કમાં તેમણે ખાતા ખોલાવ્યા છે. એક ખાતુ ઈન્ડિયન બેન્કમાં છે, જ્યારે બીજુ જનધન યોજના હેઠળનું ખાતુ બેન્ક ઓફ બરોડામાં છે. ક્યાં ખાતામાં આ વ્યવહાર થયો છે ? તેનો તેને કોઈ ખ્યાલ નથી. આ વૃદ્ધનો પુત્ર પણ તેના પિતાની માફક બુટ-ચપ્પલનું જ કામ કરે છે. મતલબ, સાવ સામાન્ય આર્થિક સ્થિતિમાં તેની પોતાની પાસે આટલી મોટી રકમ હોવાનો સવાલ જ નથી. તેઓ જણાવે છે કે તેની પાસે પાનકાર્ડ પણ નથી. ત્યારે આયકર વિભાગની જૂનાગઢ કચેરી દ્વારા નોટીસ આપવામાં કોઈ છબરડો લાગ્યો છે કે પછી આ વૃદ્ધની જાણ બહાર તેના બેન્ક ખાતાનો દૂરઉપયોગ થયો છે ? તેની તપાસ કરવામાં આવે તો જૂનાગઢમાં કોઈ મોટુ કૌભાંડ બહાર આવવાની આશંકા સેવાઈ રહી છે. જૂનાગઢની આવકવેરા વિભાગની કચેરી દ્વારા ગત તા.૬ માર્ચના રોજ રવાના કરાયેલી આ નોટીસ મનસુખભાઈને તેના ધંધાના સરનામે જ મળી છે. એમ.જી.રોડ ઉપર મજમુદારના ડેલા પાસે રસ્તા ઉપર બેસીને તેઓ બુટ-ચપ્પલનું કામ કરે છે. પાસે જ ગણેશ ચેમ્બર નામની ઈમારત છે. આ લોકેશન ઉપર તેના નામ જોગ પોસ્ટ મારફતે નોટીસ આવી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કચ્છના કાર્ગો જહાજને સોમાલિયાના ચાંચિયાઓએ બંધક બનાવ્યું