અમદાવાદમાં એનોફિલીસ મચ્છરથી થતાં મેલેરિયા અને ફાલ્સીપેરમના કેસોમાં ઘટાડો નોંધાયો છે જ્યારે એડિસ મચ્છરથી થતાં ડેન્ગ્યૂ અને ચિકન ગુનિયાના કેસોમાં અસામાન્ય વધારો નોંધાયો છે. એમાં પણ ડેન્ગ્યૂના 1400 દર્દીઓ ગયા વર્ષની સરખામણીએ વધ્યા છે, જ્યારે મૃત્યુઆંકમાં ત્રણ ગણાથી વધુ વધારો નોંધાયો છે. આગામી વર્ષે ડેન્ગ્યૂ બેકાબૂ બની જશે તેવા સંકેતો મળી રહ્યાં છે.
કડકડતી ઠંડી વચ્ચે પણ ડેન્ગ્યૂ અને મેલેરિયાના દર્દીઓ નોંધાવાનું ચાલુ રહ્યું છે. ચાલુ મહિને ડેન્ગ્યૂના 302 અને દોઢ મહિનાના 641 દર્દીઓ મ્યુનિ. હોસ્પિટલોમાં સારવાર માટે દાખલ થયેલા છે. જ્યારે ડિસેમ્બરમાં મેલેરિયાના 78, ફાલ્સીપેરમના 21 અને ચિકનગુનિયાના 33 કેસ નોંધાયા છે. જ્યારે મેલેરિયાના લક્ષણો ધરાવતા તાવના 89697 દર્દીના લોહીના અને 2514 ડેન્ગ્યૂના લક્ષણો ધરાવતા દર્દીના સીરમના નમૂના લેવાયા છે. એટલે કે તાવના જ 92211 દર્દીઓ નોંધાયા છે. જ્યારે શરદી-ખાંસી અને વાઈરલ ઈન્ફેક્શનના દર્દીઓમાં તો બહુ મોટો વધારો નોંધાયો છે. ચાલુ વર્ષે મચ્છરજન્ય રોગચાળામાં ડેન્ગ્યૂના કારણે 13 અને ફાલ્સીપેરમથી 2 મળીને કુલ 15 દર્દીના મૃત્યુ નોંધાયા છે. જ્યારે ગયા વર્ષે માત્ર 6 મૃત્યુ નોંધાયા હતા.
બીજી તરફ પાણીજન્ય રોગચાળો પણ ઠેર ઠેર આવતા પ્રદૂષિત પાણીના કારણે યથાવત રહેવા પામ્યો છે. ચાલુ મહિનામાં ઝાડાઉલ્ટીના 382, કમળાના 221 અને ટાઈફોઈડના 261 મળીને કુલ 864 દર્દીઓ હોસ્પિટલોમાં સારવાર માટે દાખલ થયેલાં છે. ચાલુ મહિનામાં લીધેલાં પાણીના નમૂનાઓમાંથી 115 નમૂનામાં ક્લોરિન નીલ હોવાનું જણાયું છે. જ્યારે 63 નમૂનામાં બેક્ટેરિયા હોવાનું જણાયું છે. આમ કુલ 178 પાણીના સેમ્પલ જુદા જુદા વિસ્તારોના ફેઈલ ગયા છે.