ગુજરાત સરકારે નશાબંધીનો કાયદો કડક બનાવી દારૂબંધી વિરૂધ્ધ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. ગૃહમાં પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા ગૃહ રાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર નશાબંધીની નીતિને વરેલી છે. રાજ્ય સરકારે નશાબંધી સુધારા વિધેયક લાવીને દારૂનું ઉત્પાદન, વેચાણ અને હેરાફેરી કરનારા વિરૂધ્ધ કડક સજાની જોગવાઇઓ લાગુ કરી છે. ૧૪મી વિધાનસભાના ચોથા સત્રના પ્રથમ દિવસે વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળ દરમ્યાન અમદાવાદ અને સાબરકાંઠા જિલ્લામાં પકડાયેલા વિદેશી દારૂ સંબંધેના ધારાસભ્યએ પૂછેલા પ્રશ્નનો પ્રત્યુત્તર પાઠવતા ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે દારૂ પીને છાકટા થઇને સમાજ માટે ત્રસ્ત બનેલા લોકોને નશ્યત કરવા રાજ્ય સરકારે રાજ્યમાં કડક દારૂબંધીનો અમલ કર્યો છે.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીના સબળ નેતૃત્વમાં દારૂબંધીના કડક કાયદાના અમલના કારણે હવે દારૂના ઉત્પાદન, વેચાણ, હેરાફેરી કરનારને ૧૦ વર્ષ જેલ અને રૂપિયા પાંચ લાખની દંડની જોગવાઇ કરાઇ છે. ગૃહ રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સુધારેલા કાયદાની જોગવાઇ અનુસાર હવે દારૂની હેરાફેરીમાં વાપરવામાં આવેલા વાહનોની જપ્તી પણ સરળ બની છે. જેના કારણે ગુનેગારોની આર્થિક રીતે કમર તોડી નાખવાનો રસ્તો સરળ બન્યો છે.
હવે રાજ્ય સરકારે કહેવાતા મોટા બુટલેગરોની મિલકતો જપ્ત કરવા જેવા કડક પગલાં ભરવાનું નક્કી કર્યું છે. તેની વિગતો આપતા પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યું હતું કે, કાયદા હેઠળ રાજ્યભરમાં ૯ જેટલા બુટલેગરોની મિલકતો ટાંચમાં લેવા એન્ફોર્સમેન્ટ ડીરેક્ટોરેટના માધ્યમથી પ્રયાસો હાથ ધર્યા છે. આ ઉપરાંત નવા કાયદાની જોગવાઇ અનુસાર દારૂની રેડ દરમ્યાન પોલીસ કાર્યવાહીમાં ખલેલ પહોંચાડનારા કે અંતરાય ઉભો કરનારા સામે પણ કડક હાથે કામગીરી થઇ શકે તેવી જોગવાઇ કરાઇ છે. જે મુજબ આવા શખ્સો સામે ૫ વર્ષની સજા અને રૂપિયા ૫ લાખ સુધીના દંડની જોગવાઇ કરાઇ છે.
અમદાવાદ અને સાબરકાંઠા જિલ્લામાં પકડાયેલા દારૂના જથ્થા સંદર્ભે પણ ગૃહમાં માહિતી આપી હતી. તે મુજબ તા. ૧-૬-૨૦૧૭ થી ૩૧-૫-૨૦૧૯ દરમ્યાન બે વર્ષમાં અમદાવાદમાં શહેરમાંથી ૧૯,૬૯૦ દારૂબંધીનો ભંગ કરનારા ગુનેગારોની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાંથી ૬,૭૪૦ ગુનેગારોને પકડવામાં આવ્યા હતા. આ જ રીતે સાબરકાંઠા વિસ્તારમાંથી ૪,૦૦૦ જેટલા ગુનેગારોને આ સમયગાળા દરમ્યાન પકડવામાં આવ્યા હતા.
વધુમાં જણાવ્યું હતું કે જે પોલીસ સ્ટેશનના તાબા હેઠળ દેશી, વિદેશી દારૂ પકડાયેલ હોય તેવા જવાબદાર ૯૫ પોલીસ અધિકારીઓ/ કર્મચારીઓને રોકડ દંડ, ઇજાફો અટકાવવો, ખાતાકીય કે પ્રાથમિક તપાસમાં આંતર જિલ્લા બદલી અને ફરજ મોફુકી જેવા કડક શિક્ષાત્મક પગલાં રાજ્ય સરકારે ભર્યા છે. હાલમાં રાજ્યમાં યુવાનોમાં પ્રચલિત બનેલા ઇ-સીગારેટના વ્યસન વિરૂધ્ધ યુવાધનને બચાવવા સારૂ રાજ્ય સરકાર વિધાનસભામાં કાયદો લાવશે.