Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગટરનાં પાણી ઊભરાતાં હોવા છતાં મીઠાઈ-નમકીનનું પ્રોડક્શન કરતી રસરંજનની ફૂડ ફેક્ટરી સીલ

ગટરનાં પાણી ઊભરાતાં હોવા છતાં મીઠાઈ-નમકીનનું પ્રોડક્શન કરતી રસરંજનની ફૂડ ફેક્ટરી સીલ
, શનિવાર, 1 ડિસેમ્બર 2018 (14:37 IST)
એક બાજુ ગટરનાં ગંદા પાણી ઊભરાયા હોય અને બીજી બાજુ ચારેકોર ગંદકી, મચ્છર-માખી બણબણતાં હોય તેમ છતાંય મીઠાઈ અને નમકીન વગેરેનુ બેરોકટોક ઉત્પાદન કરતાં રસરંજનનાં માલિકોને આખરે મ્યુનિ.હેલ્થ ખાતાએ કાયદો બતાવતાં કારખાનું જ સીલ કરી દીધુ હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, મ્યુનિ.તંત્ર એક બાજુ સ્વચ્છતા સર્વેક્ષણમાં એકથી દસ નંબરમાં સ્થાન મેળવવા માટે આખા શહેરમાં નાગરિકોને સ્વચ્છતાનાં પાઠ ભણાવી રહયું છે, ત્યારે શહેરનાં જુદા જુદા વિસ્તારોમાં ખાદ્યપદાર્થોનાં વેપારીઓ જ જાહેર આરોગ્યને હાનિ થાય તેવા વાતાવરણમાં મીઠાઈ અને નમકીન વગેરેનુ ઉત્પાદન કરી રહયાં છે. શહેરનાં પોશ વિસ્તારોમાં મીઠાઈ, નમકીન અને નાસ્તાનાં મોટા શોરૂમ ધરાવતાં જાણીતા વેપારી રસરંજનની ફૂડ ફેક્ટરીમાં ચારેકોર ગંદકી છે તેવી બાતમી મ્યુનિ.હેલ્થ ઓફિસર ડો.ભાવિન સોલંકીને ફોટા સાથે મળી હતી.

webdunia

ફોટા જોઇને જ ચોંકી ઉઠેલાં ડો.ભાવિન સોલંકીએ આટલા મોટા વેપારી સામે તપાસ કરવા નાના કર્મચારીને મોકલવાને બદલે પોતે જ રૂબરૂ જઇને ચેક કરવાનુ મુનાસીબ માન્યુ હતુ. ઝોન કે અન્ય કોઇ કર્મચારીઓને જાણ કર્યા વગર ફલાઇંગ સ્કવોડનાં અધિકારીઓને લઇને નરોડા જીઆઇડીસીમાં આવેલાં રસરંજન ફૂડ પ્રોડકટસ પ્રાઇવેટ લિમિટેડનાં કારખાનામાં પહોંચી ગયાં હતા. જયાં તેમણે તેમને મળેલી બાતમી મુજબ ચારેકોર ગટરનાં પાણી ફરી વળેલાં જોયા તેમજ ગંદકી-સફાઇનો અભાવ જોઇને તરત જ કારખાનાનાં માલિકોને નોટિસ ફટકારવા અને કારખાનાને સીલ મારી દેવાની સૂચના આપી હતી.

બીજી બાજુ હેલ્થ ખાતાનાં અધિકારીઓ કારખાનામાં આવ્યા છે અને સીલ મારવાની વાત કરે છે તેવી માહિતી મળતાં જ રસરંજનનાં કર્તાહર્તાઓએ રાજકીય વગ વાપરીને હેલ્થ ખાતાની કાર્યવાહીમાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરી જોયો હતો, પરંતુ હેલ્થ ખાતાનાં અધિકારીઓએ સીલ મારી જ દીધા હતા.

આ અંગે વધુ માહિતી આપતાં ડો.ભાવિનભાઇ સોલંકીએ કહયું કે, દિવાળીનાં તહેવારો ટાણે પણ મીઠાઈ-નમકીનનાં વેપારીઓને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યુ તે સમયે રસરંજનનાં નરોડાનાં કારખાનામાં આવી જ સ્થિતિ હતી, તેમ છતાં તે સમયે તેમને ફકત નોટિસ આપીને ગટરના પાણી ઊભરાતા અટકાવવા અને સ્વચ્છતા જાળવવા તાકીદ કરવામાં આવી હતી. તેમ છતાંય તેમણે કોઇ કામગીરી જ નહિ કરતાં આખરે નાછુટકે કારખાનાને સીલ મારવા પડયાં છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સાહેબ તમારા લીધે અમને અંદર જવા નથી મળતું, વિદેશી પ્રવાસીની રૂપાણીને ફરિયાદ