વડોદરામાં ગુજરાત રિફાઇનરીમાં પાંચ સફાઈ કામદારોનો આત્મવિલોપનનો પ્રયાસ
, સોમવાર, 7 મે 2018 (14:10 IST)
વડોદરા શહેરની ગુજરાત રિફાઇનરીમાં કોન્ટ્રાક્ટમાં વર્ષોથી નોકરી કરતા સફાઇ કામદારોની સમાન કામ સમાન વેતનની માંગ ન સ્વિકારાતા પાંચ કર્મચારીઓના આત્મવિલોપનના પ્રયાસને પોલીસને નિષ્ફળ બનાવ્યો હતો. વડોદરા નજીક આવેલી ગુજરાત રીફાઇનરીમાં 500 જેટલા સફાઇ કામદારો વર્ષોથી નોકરી કરે છે. આ કર્મચારીઓ છેલ્લા કેટલાંક સમયથી સમાન કામ સમાન વેતનની માંગણી કરી રહ્યા છે. અનેક વખત સત્તાવાળાઓને રજૂઆત કરી છે. અલબત્ત કર્મચારી યુનિયન પોતાની માંગણીઓને લઇ મેનેજમેન્ટ સામે કાનુની જંગ કરી રહ્યા છે. કોર્ટ દ્વારા પણ કર્મચારીઓ તરફે વલણ અપનાવવા માટે કંપની મેનેજમેન્ટને સુચના આપી છે. આમ છતાં મેનેજમેન્ટ દ્વારા કોઇ દાદ આપવામાં આવી ન હતી. આથી સફાઇ કર્મચારી સંગઠન દ્વારા આજથી અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરવાનું એલાન આપ્યું હતું. આ સાથે 5 કર્મચારીઓએ આત્મવિલોપન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.દરમિયાન આજે ગુજરાત રીફાઇનરીના 500 જેટલા સફાઇ કામદારો કંપની નજીક હડતાળ પર બેસી ગયા હતા. બીજી બાજુ 5 કર્મચારીઓએ આત્મવિલોપન કરવાની ચિમકી આપી હોવાથી પોલીસે પણ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આત્મવિલોપનની ચિમકી આપનાર પાંચ કર્મચારીઓ આત્મવિલોપનનો પ્રયાસ કરે તે પહેલાં પોલીસે તમામ પાંચ કર્મચારીઓની અટકાયત કરી લીધી હતી. અને તેઓ પાસેનું જ્વલનશિલ પ્રવાહી કબજે કરી લીધું હતું.પાંચ કર્મચારીઓની પોલીસ અટકાયત કરતા અન્ય કર્મચારીઓ દ્વારા કંપની વિરૂધ્ધ ભારે સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ સાથે કર્મચારી યુનિયને કંપની વિરૂધ્ધની હડતાળ ચાલુ રાખી હતી. અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરેલા સફાઇ કામદાર સંગઠને જણાવ્યું હતું કે, જ્યાં સુધી અમારી સમાન કામ સમાન વેતનની માંગ પૂરી કરવામાં નહિં આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે.
આગળનો લેખ