સરદારનગર પોલિસના ચોપડે કામના સ્થળે વર્કિંગ વુમન સાથે થતી છેડતીની ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદના એરપોર્ટ પર જેટ એરવેઝમાં કામ કરતી યુવતીએ એવો આરોપ લગાવ્યો છે કે તેમનો સિક્યુરિટી હેડ ઓફિસમાં એકલા હોય ત્યારે શરીરને સ્પર્શ થાય તેમ જોડે બેસી જતો અને મોબાઈલમાં બિભત્સ વીડિયો ક્લિપ બતાવતો હતો. આ વાતની લેખિત ફરિયાદ મેનેજરને કરી ત્યારે તેમણે માત્ર વોર્નિંગ આપીને વાત દબાવી દેતા સિક્યુરિટી હેડની હિંમત વધી હતી અને રજા જોઈતી હોય તો ફિઝકલ અટેચમેન્ટ રાખવું પડશે તેમ કહી બિભત્સ માંગણી કર્યાનો આરોપ પણ ફરિયાદમાં લગાવ્યો છે.
સરાદરનગર વિસ્તારમાં નાની બહેન સાથે રહેતી અને એરપોર્ટ પર જેટ એરવેઝમાં નોકરી કરતી ૩૪ વર્ષિય યુવતીએ પોલીસ ફરિયાદ કરતા આરોપ લગાવોય છે કે જેટ એરવેઝમાં કૃણાલ ચોક્સી નામનો સિક્યુરિટી હેડ છે. પોતાનાથી સાત-આઠ વર્ષ સિનિયર હોય તેની સૂચનાઓનું પાલન નોકરી પર કરવાનું હોય છે. યુવતીએ આરોપ લગાવ્યો છે કે તે જ્યારે ઓફિસમાં એકલી હોય ત્યારે કૃણાલ આવતો અને તેને અડીને બેસતો. ઉપરાંત મોબાઈલમાં વીડિયો ક્લિપ બતાવીને મજા આવશે તેમ કહીં તેની છેડતી કરતો હતો. ફરિયાદી યુવતી ગત ૧૪ માર્ચથી મેડિકલ લીવ પર છે ત્યારે આરોપી કૃણાલ ચોક્સી તેની ખબર પુછવાના બહાને ઘર સુધી આવી ગયો હતો. એટલું જ નહીં, તેણે યુવતીને ધમકી આપતા કહ્યું હતુ કે, રજા જોઈતી હોય તો ફિઝિકલ અટેચમેન્ટ રાખવું પડશે. યુવતીએ આ ત્રાસની ફરિયાદ અગાઉ લેખિતમાં મેનેજરને કરી હતી. જો કે, મેનેજરે માત્ર મૌખિક ઠપકો અને ચેતવણી આપી છોડી મુકતા કૃણાલની હરકત યથાવત રહી હતી. સરદારનગર પોલીસે હાલ આ અંગે ગુનો નોંધી કૃણાલ ચોક્સીની તપાસ શરૂ કરી છે.