Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગરમીના કારણે ગુજરાતના ૮૩૭ લોકોએ ઇમરજન્સી સારવાર લેવી પડી

ગરમીના કારણે  ગુજરાતના ૮૩૭ લોકોએ ઇમરજન્સી સારવાર લેવી પડી
, શુક્રવાર, 30 માર્ચ 2018 (13:43 IST)
અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનો પારો દિનપ્રતિદીન વધી રહ્યો છે. જેને લઇને બપોરે ૧૨ વાગ્યા બાદ ઘરની બહાર નીકળવું પણ હાલમાં જોખમી બની ગયું છે. તેવામાં છેલ્લા ચાર દિવસ પરની સ્થિતિ પર નજર નાંખીએ તો રાજ્યમાં ગરમીને કારણે કુલ ૮૩૭ લોકોએ ઇમરજન્સી સેવા ૧૦૮ ને બોલાવીને તાત્કાલિક સારવાર લેવાની ફરજ પડી હતી. જેમાં ૫૪૯ લોકો અમદાવાદના હતા કે જેઓએ હિટ રિલેટેડ કેસમાં સારવાર લેવી પડી હતી. નોંધપાત્ર છેકે રાજ્યમાં ગરમીને કારણે છેલ્લા ચાર દિવસમાં કુલ ૧૯૨ લોકો મુર્છિત થઇ ગયા હતા. જેમાં અમદાવાદમાં અસહ્ય ગરમીની લીધે ૧૧૧ લોકો મુર્છિત થઇ ઢળી પડયા હતા. અમદાવાદમાં હાલમાં ૪૧ ડિગ્રી સુધીની ગરમી પડી રહી છે. કાળઝાળ ગરમીમાં લૂ લાગવાથી લોકો પેટનો દુખાવો, બીપીની સમસ્યા, છાતીમાં દુખાવો, નસકોરી ફૂટવી, બેભાન થઇ જવું, ચક્કર આવવાથી પડી જવું, ઝાડા-ઉલટી સહિતની વિવિધ શારીરિક તકલીફોનો ભોગ બની રહ્યા છે.

આ અંગે ઇમરજન્સી લેવા ૧૦૮ના અધિકારીઓના જણાવ્યા મુજબ હાલમાં રાજ્યમાં મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રીને પાર જતો રહ્યો છે. જેમાં આગામી દિવસમાં વધારો થવાની સંભાવના છે. સામાન્ય રીતે દર વર્ષે એપ્રિલ-મે માસમાં ગરમીને લગતા મહત્તમ કેસો નોંધાતા હોય છે. પરંતુ આ વર્ષે માર્ચ માસના છેલ્લા અઠવાડીયાથી જ હિટ રિલેટેડ કેસો જોવા મળી રહ્યા છે.રાજ્યમાં ગરમી વધવાની સાથે તેને લગતા કેસોની સંખ્યા પણ છેલ્લા પાંચેક વર્ષમાં વધી છે. વર્ષ ૨૦૧૪ એપ્રિલ-મે માસમાં રાજ્યમાં કુલ ૬,૦૬૪ કેસો ગરમીને લગતા નોંધાયા હતા. જેમાં વધારો થઇને વર્ષ ૨૦૧૭માં ૧૦,૧૩૫ કેસો નોંધાયા હતા. ચાલુ વર્ષે વધુ કેસો નોંધાવાની શક્યતાને જોતા ૧૦૮ના તમામ કર્મીઓને એલર્ટ રહેવા તાકિદ કરાઇ છે. ગરમીને લગતા કેસો હેન્ડલ કરવા માટે વિશેષ તાલિમની સાથે તકેદારી માટે શું કરવું તેની પણ સુચનાઓ આપી દેવામાં આવી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શરાબના શોખીનોને કોનું પ્રોત્સાહન? ગુજરાતની ફાઇવસ્ટાર હોટેલોમાં ૨૭.૫૯ કરોડનો શરાબ વેચાયો