ગુજરાતની જીવાદોરી ગણાતી નર્મદા નદી સાવ સુકાઈ જવા પામી છે. ચાલુ વર્ષે સરદાર સરોવર ડેમના ગેટ મુકાઇ જતાં નદીના પાણી સાવ ખતમ થઈ ગયા છે. ઉપરાંત સરદાર સરોવર ડેમમાથી ચાલુ વર્ષે અમદાવાદ, કચ્છ, કાઠીયાવાડ સુધી પાણી અપાતાં સરદાર સરોવરની જળ સપાટી ઓછી થઈ જતાં પાણીની તંગી વર્તાય તેવા એંધાણ મળી રહ્યા છે. ત્યારે છોટા ઉદેપુર જીલ્લાના છેવાડાના અને નર્મદા નદીના કીનારે સ્થિત શિવાલય વીસ ફૂટથી વધુ પાણીમાંથી બહાર નીકળતા શ્રધ્ધાળુઓ દર્શનાર્થે પહોંચી રહ્યા છે.
ગુજરાતની જીવા દોરી સમાન ગણાતી નર્મદા નદી ઉપર કેવડીયા પાસે સરદાર સરોવર ડેમ બાંધવામાં આવ્યો છે. જેના ઉપર ગેટ મૂકવાનું કામ થોડા સમય પહેલા જ પૂરું કરવામાં આવ્યું હતું. આ ગેટ મૂકવાથી નદીમાથી પાણી છોડવાનું સાવ ઓછું થઈ ગયું છે. ચાલુ વર્ષે સરદાર સરોવર ડેમની જળ સપાટી 138 મીટર કરતાં પણ વધુ થઈ જવા પામી હતી. તેમ છતાં સરદાર સરોવર ડેમના સ્ત્રાવ વિસ્તારમાં પાણી ખૂબ ઓછું થઈ જવા પામ્યું છે. સરદાર સરોવર ડેમથી 70 કિલોમીટર દૂર છોટા ઉદેપુર જીલ્લાના અને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદે આવેલા હાફેશ્વર ખાતે, સરદાર સરોવર ડેમમાં આખેઆખું હાફેશ્વર ગામ ડૂબાણમાં ગયું હતું. અને આ ગામના લોકોને વિસ્થાપિત કર્યા હતા. આ ગામમાં એક શિવાલય આવેલું હતું જ્યાં શ્રધ્ધાળુઓ આવતા હતા. તે પણ પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યું હતું. માત્ર મંદીરની ધજાની ટોચ જ નજરે પડતી હતી. પરંતુ ચાલુ વર્ષે સરકાર દ્વારા નર્મદા કેનાલ દ્વારા સરદાર સરોવર ડેમનું પાણી કચ્છ, કાઠીયાવાડ અને કેટલાક શહેરોમાં આડેધડ રીતે પહોચાડતા સરદાર સરોવર ડેમઉનાળો શરૂ થયા પહેલા જ ખાલી થઈ જાય તેવી ભીતી સેવાઈ રહી છે. હાફેશ્વર ખાતે દ્રશ્યો દ્વારા જોઈ શકાય છે કે અહીયાં નાના ડુંગરો પર પાણીના નિશાન દેખાય છે હાલ આ પાણી લગભગ પચાસ ફૂટ જેટલું ઓછું થઈ જવા પામ્યું છે.