છોટાઉદેપુરના નસવાડીના જંગલમાં આગ લાગી હતી. જેને હોલવવા મોડી રાત સુધી જંગલ ખાતાનો કોઈ કર્મચારી પહોંચ્યો ન હતો.નસવાડી તાલુકો ડુંગર વિસ્તાર ધરાવતો તાલુકો છે. ડુંગર વિસ્તારમાં અનેક જંગલ આવેલા છે. જેમાં નસવાડીથી 20 કિમી દૂર આવેલા રેલીયાઆંબાના જંગલમાં મોડી રાત્રે આગ લાગી હતી. જોતજોતામાં આગ વધુ ફેલાઈ ગઈ હતી. અંદાજિત 1 કિમીના એરિયામાં આગ પહોંચી હતી. સૂકા પાંદડા હોવાને કારણે આગ વધુને વધુ આગળ વધી હતી. અલગ અલગ બાજુ આગ વધુ ફેલાઈ હતી. જોકે નજીકમાં રહેણાંક વિસ્તાર ન હોય આગ ચાલુ ને ચાલુ જ રહી હતી. આ જંગલમાં મોટી સંખ્યામાં વન્ય પ્રાણીઓ રહે છે. જે આગ લાગતાની સાથે જ અન્ય સ્થળે જતા રહ્યા હતા. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. પરંતુ આગને બૂઝવવા માટે નસવાડી વન વિભાગના આરએફઓ અને તેમનો સ્ટાફ દ્વારા કોઈ પગલા લેવાયા ન હતા. મોડી રાત સુધી જંગલમાં કોઈ પહોચ્યું ન હતું. આગ 3 કિમી દૂરથી જંગલ વિસ્તારમા જોઈ શકાતી હતી. છતાંય કોઈ વન કર્મી પહોંચ્યું ન હતું. નસવાડીના અન્ય જંગલમાં સતત બીજી વખત આગ લાગવાની ઘટના બની છે, જેને પગલ જંગલ વિસ્તારમાં વન કર્મીઓના પેટ્રોલિંગ પર હવે પ્રશ્નો ઉભા થયા છે.