Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સચિવાલય સંકુલમાં સરકારી કર્મીઓ, ધારાસભ્યો ટ્રાફિકના નિયમભંગ બદલ દંડાયા

સચિવાલય સંકુલમાં સરકારી કર્મીઓ, ધારાસભ્યો ટ્રાફિકના નિયમભંગ બદલ દંડાયા
, મંગળવાર, 27 ફેબ્રુઆરી 2018 (16:03 IST)
ગુજરાત આર.ટી.ઓ. દ્વારા સોમવારે સચિવાલય સંકુલમાં વિવિધ વાહનો લઇને આવતા જનપ્રતિનિધિઓ અને સરકારી કર્મચારીઓ, નાગરિકો માટે ટ્રાફિક નિયમના પાલન સંદર્ભે ચલાવાયેલી ઝુંબેશનો પડઘો છેક વિધાનસભામાં પડ્યો હતો. કેટલાક ધારાસભ્યોને ડાર્ક ફિલ્મના કારણે દંડ ભરવો પડ્યો હતો જ્યારે અનેક સરકારી અમલદારો, કર્મચારીઓને સીટ બેલ્ટ તથા હેલમેટ ન પહેરવાને કારણે દંડાત્મક કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હતો.

ગુજરાત રાજ્ય આખા પર વહીવટી અંકુશ ધરાવતા પાટનગરના નવા સચિવાલય અને જૂના સચિવાલયમાં આવતા જનપ્રતિનિધિઓ, સરકારી કર્મચારીઓ, અધિકારીઓ તેમજ નાગરિકોમાં ટ્રાફિકના નિયમો પ્રત્યે જાગૃતિ વધે એ માટે વાહન વ્યવહાર વિભાગે છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ દિવસે તથા સમયે એક ઝુંબેશ હાથ ધરવામાં આવે છે તેમાં મોટરકારમાં ડાર્ક ફિલ્મ, સિટ બેલ્ટ, હેલ્મેટ પહેર્યા વગર આવતા દ્વિચક્રી વાહન ચાલકો, લાયસન્સ વગેરેની ચકાસણી કરી તેમને સ્થળ પર જ દંડ વસૂલવામાં આવે છે.  આવી જ એક ઝુંબેશમાં સચિવાલયના સંકુલમાં પ્રવેશતાં વાહનોના ચેકિંગ માટે ચાર અલગ અલગ આરટીઓ અધિકારીઓને જવાબદારી સોંપાઇ હતી. જેમાં નડીયાદના પી.જી. ગઢવી, રાજકોટના એમ.ડી. પાનસરીયા, આણંદના આર.પી. દવે અને અમદાવાદના એસ.એમ. બરંડાનો સમાવેશ થાય છે.આ ચારેય ટીમોને અલગ અલગ પ્રવેશ દ્વારની અંદર જવાબદારી સોંપવામાં આવી હતી.
 બપોરે ૧૨ વાગે વિધાનસભાનું સત્ર શરૂ થાય એ પૂર્વે સંકુલમાં આવી રહેલા ધારાસભ્યો પૈકી એક નંબરના ગેઇટથી પ્રવેશતા ધોરાજીના ધારાસભ્ય લલીત વસોયા તથા પાટણના ધારાસભ્ય કિરીટ પટેલની મોટરકારના ગ્લાસ પર ડાર્ક ફિલ્મ હોવાથી તેમને દંડ કરાયો હતો અને ફિલ્મ દૂર કરવાની સૂચના અપાઇ હતી. કેટલાય અધિકારીઓ, નાગરિકોને પણ દંડ સાથે ફિલ્મ દૂર કરવામાં આવી હતી.  આ મુદ્દે ઊંઝાના ડો. આશાબેન પટેલને પણ પરેશાની થઇ હતી એટલે તેમણે વિધાનસભા સંકુલમાં પહોંચીને તુરત જ પોતાના પક્ષના નેતા પરેશ ધાનાણી ઉપરાંત મુખ્યમંત્રી કાર્યાલયનું ધ્યાન દોર્યું હતું. ડો. પટેલે લાગણી વ્યક્ત કરી હતી કે, જનતાના પ્રતિનિધિઓ હોવાના નાતે અમને ટ્રાફિકના નિયમોની જાણકારી હોય છે અને મોટાભાગે પાલન કરવાનો પ્રયાસ કરીએ છીએ, પરંતુ આવી ઝુંબેશ ચાર રસ્તાઓ, જાહેર મોટા રસ્તાઓ પર જ્યાં ટ્રાફિક હોય ત્યાં જઇને કરવી જોઇએ. જોકે, ધારાસભ્યોના હોબાળા બાદ બપોરે એક વાગ્યા પછી એકાએક ઝુંબેશ બંધ થઇ ગઇ હતી. નવા અને જૂના સચિવાલયમાં ટ્રાફિક અવેરનેસ માટે આવી ડ્રાઇવ ચલાવાશે એની આગોતરી જાણકારી આરટીઓએ ગયા મહિને જ મોકલી આપી હતી. તેના આધારે જુદા જુદા સમયે અને દિવસે આવી ઝુંબેશ કરાય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ચોરવાડના હોલિડે કેમ્પને હવે લીલીઝંડી, આ ઐતિહાસિક ધરોહર ફરી સજીવન થશે