ગુજરાતમાં શિક્ષણક્ષેત્રમાં ડિજિટલ ક્રાંતિ થકી નવી ઊંચાઈ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઈન્ડિયાના સંકલ્પને પાર પાડવા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મંગળવારે ગાંધીનગરની શાહપુર શાળાથી રાજ્યવ્યાપી ‘જ્ઞાનકુંજ’ પ્રોજેક્ટનો પ્રારંભ કરાવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત પ્રથમ તબક્કામાં ૧૨ જિલ્લાની ૫૦૮ શાળાઓમાં વિદ્યાર્થીઓને દફતરને બદલે ટેબ્લેટ અને બ્લેકબોર્ડને બદલે સ્ક્રીન બોર્ડ થકી વર્ચ્યુઅલ ક્લાસરૂમની સુવિધા પૂરી પાડીને વિવિધ વિષયોનો અભ્યાસ કરાવાશે. આગામી સમયમાં આ પ્રોજેક્ટમાં ધો-૫થી ધો-૯ સુધીની રાજ્યની ૧૬૦૯ શાળાઓને આવરી લેવાશે.
જ્ઞાનકુંજ પ્રોજેક્ટનો પ્રારંભ કરાવતાં મુખ્યપ્રધાન રૂપાણીએ જણાવ્યું કે, બદલાતા યુગમાં વિદ્યાર્થીઓ પુસ્તકિયા જ્ઞાન કરતાં જોઈને શીખવાની ઉત્કંઠા વધુ પ્રબળ બની છે. વિદ્યાની દેવી મા સરસ્વતીના હાથમાં વીણા રહેલી છે તેમ ગુજરાતની શાળાઓના વિદ્યાર્થીઓના હાથમાં ટેબ્લેટ આપીને વિશ્વનું જ્ઞાન તેમની આંગળીના ટેરવે મૂકવામાં આવ્યું છે. બાળકો અભ્યાસક્રમમાં ઈતિહાસ, ભૂગોળ જેવા ગહન વિષયોમાં રસ લેતા થાય અને વૈશ્વિક ગતિવિધિઓ પણ જાણી શકે તે માટે લેપટોપ, ઈન્ટરનેટ અને ટેબ્લેટથી સજ્જ કરવા એ સમયની માગ છે ત્યારે ગુજરાત સરકારે રાજ્યના વિદ્યાર્થીઓને સમયાનુકુળ દફતરને બદલે ટેબ્લેટ અને ક્લાસરૂમમાં બ્લેકબોર્ડને બદલે સ્ક્રીન બોર્ડની સુવિધા આ વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં આપી છે. શિક્ષણમાં આમૂલ ક્રાંતિનો આ ગુજરાતનો પ્રયોગ દેશ માટે દિશાદર્શક બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતાં મુખ્યપ્રધાને આ પ્રોજેક્ટમાં પ્રોજેક્ટર, ઈન્ફ્રારેડ કેમેરા જેવા ટેકનોલોજીના સાધનો થકી બાળકોને જ્ઞાન આપવા શિક્ષકોએ તાલીમ લેવાની તત્પરતા દર્શાવી તેની પ્રશંસા કરી છે.