અમદાવાદમાં ભારે વરસાદ બાદ રસ્તાઓ ખરાબ થઈ ગયાં છે અને તેને ફરીવાર રીસર્ફેસ કરવા માટે કોર્પોરેશને આંખ આડા કાન કર્યાં છે. ત્યારે તેનો વિરોધ દર્શાવવા માટે એક એનજીઓના સંચાલકે અનોખો કિમીયો અપનાવ્યો છે. HeyHi નામની NGO ચલાવતા રિતેશ શર્માએ મંગળવારે પોતાના 40 સાથીઓ સાથે શહેરમાં હેલમેટ સર્કલ અને માનવ મંદિર વચ્ચે પડેલા 20 જેટલા ખાડામાં છોડવા વાવ્યા હતા.
અમારા સહયોગી અખબાર અમદાવાદ મિરર સાથેની વાચતીતમાં તેમણે જણાવ્યું, “આપણે 2017માં જીવી રહ્યા છીએ તો પછી પ્રોટેસ્ટ માટે 80sની રીત કેમ અપનાવવી? ”વરસાદી મોસમમાં પોતાને પડેલી હાલાકી વિષે વાત કરતા રિતેશે જણાવ્યું, “મારી બાઈક એક ખાડામાં ઘૂસી ગઈ હતી. હેલમેટને કારણે હું બચી ગયુ. મારા બીજા એક મિત્રને પણ રસ્તા પણ પાણી ભરાઈ જવાને કારણે ઈજા પહોંચી હતી.”રિતેશને આ આઈડિયા યુક્રેનના એક વ્યક્તિ પાસેથી આવ્યો હતો જેણે વિરોધ નોંધાવવા ખાડામાં ફૂલ વાવી દીધા હતા. રિતેશે જણાવ્યું કે તે ભવિષ્યમાં પણ જુદી-જુદી રીતે વિરોધ નોંધાવતા રહેશે. રિતેશની ટીમમાં રોશન, હાર્દિક ગાંધી, ગગન મોરિયા અને આસ્થા કરણ છે.