પાણી માટે વલખાં મારતા ખેડૂતોની અમદાવાદમાં ગાંધીગીરી, બુટપોલીશ કરીને વિરોઘ નોંધાવ્યો
, મંગળવાર, 4 એપ્રિલ 2017 (13:48 IST)
વિજાપુર રોડ પર આવેલા 22 ગામના ખેડૂતો સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવા ગાંધીગીરીના રસ્તે આવી ગયા છે. 2000 ખેડૂતો વતી કેટલાક પ્રતિનિધિઓએ સરકાર સામે વિરોધ નોંધાવતા કાલુપુર રેલવે સ્ટેશનની બહાર આવતા જતા લોકોના બૂટ પોલીશ કર્યા હતા. કડાણા ડેમ સાથે જોડાયેલી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે સાબરમતી (દક્ષિણ) તટ વિસ્તારના ખેડૂત મંડળના પ્રમુખ ગૌરવ પંડિત સહિત કેટલાક ખેડૂતોએ કાલુપુર રેલવે સ્ટેશન જતા રોડ પર પસાર થતા લોકોના બૂટ પોલીશ કર્યા હતા.
ગૌરવ પંડિતે કહ્યું હતું કે, અમદાવાદ-વિજાપુર રોડ પર આવેલા 22 ગામના ખેડૂતો સિંચાઈ માટે સુજલામ સુફલામ યોજનાનું પાણી માંગી રહ્યાં છે. જો સરકાર 6500 કરોડ રૂપિયા ખર્ચીને ૧૦ વર્ષથી સુજલામ સુફલામનું પાણી ખેડૂતોને ન આપી શકતી હોય તો યોજનાનો કોઈ મતલબ જ નથી. આ વિસ્તારના લોકો શાકભાજી અને તળબુચ વાવે છે, શરૂઆતમાં પાણી આપવાનું કહેતા એન્જિનિયર્સ ફેબ્રુઆરીમાં તડકો વધે એટલે બંધ કરે છે.'ગૌરવ પંડિત દાવો કર્યો હતો કે, હું જયારે સિંચાઈ મંત્રીને મળ્યો ત્યારે મેં એમણે કહ્યું હતું કે, સાહેબ જુઓ હું એન્જિનિયર હોઉં અને હું પાણી આપી ના શકું તો બહેતર છે કે, હું રેલવે સ્ટેશન પર બેસીને બુટ પોલીશ કરું. મેં જે કહ્યું હતું એ અમે આજે કર્યું, કારણ કે બુટ પોલીશ કરવા માટે બહુ હોંશિયારીની જરૂર પડે. અમેરિકામાં લાંબા સમય સુધી રહ્યા બાદ મહાત્મા ગાંધીના વિચારોથી પ્રભાવિત થઈ ગાંધીનગર આવી વસેલા ગૌરવ પંડિતે વધુમાં જણાવ્યું કે, સરકાર દ્વારા 6500 કરોડ રૂપિયાના ખર્ચે સુજલામ સુફલામ કેનાલનું નિર્માણ થયા બાદ 2006માં નરેન્દ્ર મોદી દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પરંતુ ત્યારબાદથી કેનાલમાં નિયમિત પાણી છોડાતું જ નથી. જેના માટે સરકાર અને કેનાલના એન્જિનિયરોને જવાબદાર ગણી ગુજરાત હાઈકોર્ટમાં જનહિત યાચિકા પણ દાખલ કરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટે સરકારને કસૂરવાર ઠેરવી તેમની પાસેથી બાંયધરી લેવામાં આવી હતી. પરંતુ તેમાં પણ સરકાર નિષ્ફળ રહી હતી જેથી તેની સામે કોર્ટના તિરસ્કારની અરજી અપાઈ હતી. તેમ છતાં સરકારે કોઈ કાર્યવાહી કરી નથી. સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની જવાબદારી અમદાવાદ વિભાગના એન્જિનિયરોની માગણી મુજબ કરવામાં આવે છે. પરંતુ તેઓ પાણીની માગ કરવામાં નિષ્ફળ રહ્યા છે.
આગળનો લેખ