પાદરા તાલુકામાંથી પસાર થતી નહેર(કાંસ)માં એક મહાકાય મગર છેલ્લા એક વર્ષથી દેખા દેતો હતો. જે ફક્ત રાત્રિના સમયે જ કાંસમાંથી બહાર નિકળતો હોવાથી લોકો ફફડી રહ્યા હતા. ત્યારે શુક્રવારની મધ્યરાત્રિએ ફરી વખત આ 12 ફૂટના મહાકાય મગરે દેખા દેતાં દહેશત ફેલાયી હતી. જોકે મધરાતે રહેણાંક વિસ્તારમાં લટાર મારવા નિકળેલા આ મગરનું જીવદયાપ્રેમીઓ દ્વારા રેસ્ક્યુ કરી સલામત સ્થળે છોડી મુકતાં લોકોએ રાહતનો દમ લીધો હતો. પાદરાથી દરાપુરા જવાના રસ્તે રહેણાંક વિસ્તારમાં ટર્નિંગ પાસે આવેલી નહેર(કાંસ)માંથી આશરે 12 ફૂટ લાંબો મહાકાય મગર રાત્રે 1.30 વાગ્યાની આસપાસ લટાર મારતો હોવાનું જણાયું હતું.
સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા એક વર્ષથી આ મગર ત્યાં દેખા દેતો હતો. જોકે રાત્રિ દરમિયાનજ બહાર નીકળતો હોવાથી લોકોને જાનનું જોખમ હતું. પરંતુ રેસ્ક્યુ કરવામાં તકલીફ જણાઈ રહી હતી. આખરે શુક્રવારે રાત્રિના સમયે ફરી વખત રહેણાંક વિસ્તારમાં આ મહાકાય મગરે દેખા દીધી હતી. જેની જાણ સ્થાનિક લોકોએ જીવદયા પ્રેમીઓને કરતાં રાત્રિના 1.30 કલાકે તેનું બે કલાકની જહેમત બાદ રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યો હતો. મગરનું રેસ્ક્યુ થતાં સ્થાનિક લોકોએ રાહતનો દમ લીધો હતો.