Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વિસરાઈ રહ્યું છે ગુજરાતનું સૌથી જૂનું ભૂજનું કચ્છ મ્યુઝિયમ

વિસરાઈ રહ્યું છે ગુજરાતનું સૌથી જૂનું ભૂજનું કચ્છ મ્યુઝિયમ
, સોમવાર, 6 માર્ચ 2017 (15:32 IST)
ભૂજના હમિરસર તળાવના કાંઠે આવેલું ભુજનું કચ્છ મ્યુઝિયમ  મોટાભાગના પ્રવાસીઓ જોવા ઇચ્છતા હોય છે. આ મ્યુઝિયમમાં અનેક અમૂલ્ય વસ્તુઓ છે પરંતુ તેની જાળવણી માટે માત્ર વર્ગ ચારના ચાર કાયમી અને ત્રણ કોન્ટ્રાક્ટ પરના મળીને સાત કર્મચારીઓ છે. તેથી મ્યુઝિયમનો વધુ વિકાસ થઇ શકતો નથી. અત્યારે આ મ્યુઝિયમમાં ૪૨૦૦થી વધુ અમૂલ્ય વસ્તુઓ છે. જેમાં ૧૮મી સદીનો લાકડાંની સાત સૂંઢવાળો સફેદ ઐરાવત, સોનાનો મયૂર મુગટ, સાતમી સદીની ભગવાન બુદ્ધની બ્રોન્ઝની મૂર્તિ, સિંધુ સંસ્કૃતિની વસાહતોના ઉત્ખનન દરમિયાન મળેલાં માટીનાં વાસણો, શક ક્ષત્રપના સમયના શિલાલેખો, ટીપુ સુલતાને કચ્છી ઘોડાઓના બદલામાં જમાદાર ફતેહમામદને ભેટ આપેલી તોપ જેવી અનેક બહુમૂલ્ય વિરાસતો મ્યુઝિયમમાં પ્રદર્શિત કરાયેલી છે.
webdunia

આ ઉપરાંત કચ્છમાં વસતા વિવિધ જાતિના લોકોની જીવનશૈલી દર્શાવતા પેપરપલ્પમાંથી બનાવેલા પૂર્ણ કદના નમૂના રખાયા છે. નામશેષ થવા લાગેલી રોગાન કલાના વિવિધ નમૂના પણ અહીં પ્રદર્શિત કરાયેલા છે. લોકોને જેમાં વધુ રસ પડે તેવાં શસ્ત્રો, કચ્છ રાજનું ચલણી નાણું, સોના- ચાંદીના દરદાગીના અને કોતરણીવાળાં વાસણો, તારા અને નક્ષત્રોની ઊંચાઇ માપવાનું સાધન, લાકડાં પર કોતરણીકામ કરીને બનાવેલા ખૂબ મોટા દરવાજા વગેરે પણ આ સંગ્રહાલયનું આકર્ષણ છે. અહીં પ્રદર્શિત થયેલો ઐરાવત એ ઇન્દ્રનું વાહન છે. આ મ્યુઝિયમમાં રખાયેલા સાત સૂંઢવાળા ઐરાવતની અંબાડીમાં ઇન્દ્ર બેઠા છે અને તે જૈન તીર્થંકરનાં દર્શને જઇ રહ્યા છે. તેની દરેક સૂંઢમાં મંદિર છે.
webdunia

ઐરાવતના શરીર પર ફૂલ અને વેલબુટ્ટાની નકશીથી સજાવાયેલું છે. જૈન અને કામાગરી શૈલીના અદ્ભુત સંયોગસમા ૧૮મી સદીના આ નમૂનાને ટપાલટિકિટ પર સ્થાન મળી ચૂક્યું છે તો સોનાનો મયૂર મુગટ ૨૦મી સદીનો છે. નારાયણ સરોવરમાંથી તે લવાયો છે. તેમાં અનેક બહુમૂલ્ય પથ્થરો જડાયેલા છે. કચ્છની વિવિધ જાતિ જેવી કે, વાગડિયા રબારી, આહીર, મુત્વા, વણિક, મેઘવાળ, ચારણ, વાગડિયા રબારી, કોળી વગેરેની જીવનશૈલી દર્શાવતી, તેમના રોજબરોજના ઉપયોગની વસ્તુઓ સાથેની માનવજાતિ ગેલેરી પણ અહીં પ્રદર્શિત કરાયેલી છે. તેમાં લોકોના પહેરવેશ, તેમની કળાઓ, ઘરની બાંધણી વગેરે જોઇ શકાય છે. આ મ્યુઝિયમમાં જેટલી વસ્તુઓ પ્રદર્શિત કરાઇ છે તેનાથી વધુ વસ્તુઓ સ્ટોરમાં ધૂળ ખાતી પડી છે. સમયાંતરે મ્યુઝિયમમાં મુકાયેલા નમૂનાઓ બદલાય તે જરૂરી છે પરંતુ વસ્તુઓ ફેરબદલ કરાતી નથી. હજારો લોકો દર વર્ષે આ મ્યુઝિયમની મુલાકાત લે છે. છેલ્લાં પાંચ વર્ષના આંકડા જોઇએ તો વર્ષ ૨૦૧૨-૧૩માં ૭૩ હજારથી વધુ, વર્ષ ૧૩-૧૪માં ૬૯ હજાર, વર્ષ ૧૪-૧૫માં ૪૫ હજાર, વર્ષ ૧૫-૧૬માં ૭૩ હજાર અને ડિસેમ્બર ૧૬ સુધીમાં ૩૨હજારથી વધુ મુલાકાતીઓએ કચ્છ મ્યુઝિયમને નિહાળ્યું હતું. મ્યુઝિયમની આવક પણ લાખોમાં થાય છે. અહીં ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફી કરવાની પરવાનગી પણ અનેક મુલાકાતીઓ લે છે. તેના કારણે પણ મ્યુઝિયમને વધુ આવક થાય છે. આ મ્યુઝિયમ વિદેશીઓનું માનીતું છે. કચ્છના પ્રવાસે આવનારા મોટાભાગના વિદેશીઓ તો ચોક્કસ અહીં પ્રદર્શિત કચ્છની વિરાસત જોઇને અભિભૂત થાય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બાળસંરક્ષણ ગૃહમાં ગુનાહિત બાળકોની સંખ્યામાં ચિંતાજનક વધારો