વડોદરામાં કાન સાફ કરી પેટીયું રળતા નેપાળી યુવાનને કાન સાફ કરાવવા માટે આવેલા એક યુવાને 'નેપાળી યુવાન ક્યાં કર સકતે હૈ' તેવી ચેલેન્જ કરતા નેપાળી યુવાન તુરંત જ સુરસાગરના કિનારે પહોંચી ગયો હતો અને સુરસાગરમાં મોતનો ભૂસકો મારી દીધો હતો. જોકે, બનાવની જાણ ફાયર બ્રિગેડને થતાં ફાયરના જવાનો સ્થળ પર પહોંચી ગયા હતા અને યુવાનને બચાવી લીધો હતો.
મળેલી માહિતી પ્રમાણે વડોદરાના સમા-સાવલી રોડ ઉપર રહેતો નેપાળી યુવક વડોદરામાં કામ કરીને ગુજરાન ચલાવે છે. આજે બપોરે એક યુવાન કાનમાં પાણી જતું રહ્યું હોવાથી કાન સાફ કરાવવા માટે ન્યાય મંદિર સુરસાગર પાસે કાન સાફ કરનારાઓ પાસે આવ્યો હતો. આ સમયે યુવાને કાન સાફ કરનાર નેપાળી યુવકને વાત-વાતમાં 'નેપાળી યુવાન ક્યાં કર સકતે હૈ... નેપાળી કૂછ નહિં કર સકતે હૈ' તેમ જણાવતા નેપાળી યુવકે પહેરેલા કપડાં સાથે સુરસાગરમાં મોતનો ભુસકો મારી દીધો હતો. નેપાળી યુવકે સુરસાગરમાં કૂદકો મારતા જ સુરસાગર કિનારેથી પસાર થતાં લોકોએ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરતા ફાયરની ટીમ દોડી આવી હતી અને યુવાકને બચાવી લીધો હતો.
જોકે, સુરસાગરમાં પડતું મુકનાર યુવાન સારો તરવૈયો હોઇ, તે તરીને સુરસાગરની મધ્યમાં આવેલી શિવજીની પ્રતિમા પાસે પહોંચી ગયો હતો. ફાયર બ્રિગેડની ટીમ તેને બહાર લઇને આવતા તેને જોવા માટે સુરસાગરના કિનારે મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. આ વિશે નેપાળી યુવકે બાદમાં જણાવ્યું હતું કે, મને કાન સાફ કરનારે 'નેપાળી યુવાન ક્યાં કર સકતે હૈ' તેવી ચેલેન્જ કરતા મેં તેને બતાવવા જ સુરસાગરમાં મોતનો ભૂસકો માર્યો હતો. જોકે, તેને ચેલેન્જ આપનાર અન્ય યુવકનું નામ જાણતો ન હોવાનું જણાવ્યું હતું. બપોરના સમયે બનેલા આ બનાવે ન્યાય મંદિર વિસ્તારમાં ભારે ચકચાર જગાવી મુકી હતી. નેપાળી યુવકે અન્ય યુવકે આપેલી ચેલેન્જથી સુરસાગરમાં ભુસકો માર્યો હતો કે પછી અન્ય કારણોસર તે તપાસનો વિષય છે.