ગુજરાતમાં દિવાળી બાદ ભાજપ દ્વારા સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવી રહ્યાં છે. ત્યારે જાહેરમાં ભાજપના નેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલીની ઘટનાઓ બહાર આવી રહી છે.રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે પક્ષના નેતા સાથે ઉગ્ર બોલાચાલી કરતાં તેનો વીડિયો વાયુવેગે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારે આજે નર્મદા જિલ્લા ભાજપના નેતાઓમાં ચાલતી ખેંચતાણ સપાટી પર છે.
નાંદોદના ધારાસભ્ય ડૉ.દર્શના દેશમુખે તેમની જ પાર્ટીના કાર્યકરો તેમની હાંસી ઉડાવતાં હોવાનું નિવેદન આપી સૌને ચોંકાવી દીધાં છે. રાજપીપળા ખાતે યોજાયેલા ભાજપના સ્નેહ મિલન સમારંભમાં મહિલા ધારાસભ્યએ ઉભરો ઠાલવતાં રાજકારણ ગરમાયું છે. રાજપીપળામાં ભાજપનું સ્નેહમિલન યોજાયું હતું. જેમાં કેન્દ્રીય મંત્રી ભારત સંચાર વિભાગ દેવુંસિંહ ચૌહાણ ખાસ હાજર હતા તે દરમિયાન ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે આક્રોશ સાથે જણાવ્યું હતું કે, આપણી પાર્ટી માટે ભોગ આપવા વાળા બહુ નેતા છે અને પાર્ટી તેમના થકી ચાલે છે. બધાએ સમય અને ભોગ આપ્યો છે.પાર્ટીના લોકો મારું અપમાન કરી રહ્યા છે, એક નાનો કાર્યકરો મારી સામે જોઈ જોઈને મારી હસી ઉડાવે છે એટલે તમે શું સમજો છો આ મારું અપમાન નથી ભાજપના ધારાસભ્યનું અપમાન છે. નર્મદામાં સાંસદ મનસુખ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ અને ધારાસભ્ય ડૉ.દર્શના દેશમુખ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.
મનસુખ વસાવાએ બંને નેતાઓની ફરિયાદ પ્રદેશ અધ્યક્ષને પણ કરી છે. સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે, ધારાસભ્યએ આવી વાત જાહેર મંચ પરથી ના કરવી જોઈએ. સંગઠનમાં વાત મૂકી સમાધાન કરાય જે બંધારણે કરવી જોઈએ. તેમણે કહ્યું કે, આજે કોઈ પણ વ્યક્તિ જે પણ હોદ્દો મેળવે છે તે સંગઠનને આભારી છે. આ મુદ્દે મને કેટલાંક કાર્યકરોએ ફરિયાદ કરી છે.