નલિયા સેક્સકાંડને પગલે ભાજપની રાજકીય પ્રતિષ્ઠા દાવ પર લાગી છે જેના લીધે રાષ્ટ્રીય નેતાગીરી પણ ચિંતિત બની છે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ પણ સામાજીક પ્રસંગના બહાને અમદાવાદ દોડી આવ્યાં છે ભાજપના પ્રદેશના નેતાઓના સંપર્કમાં રહીને સેક્સકાંડને મતદારોના માનસપટ પરથી ભૂંસવા મથામણો શરૃ થઇ છે.
નલિયા સેક્સકાંડના પડઘા છેક દિલ્હી સુધી પડયાં છે. એટલી હદે કે, ખુદ પીએમઓ પણ હચમચી ઉઠયુ છે. સેક્સકાંડમાં ભાજપના મોટા માથાની સંડોવણી હોવાની ચર્ચા છે . ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ પુત્રવધુના શ્રીમંત પ્રસંગે હાજરી આપવાના બહાને અમદાવાદ આવી પહોચ્યાં છે. સૂત્રોનુ કહેવું છેકે, સેક્સકાંડમાં ભાજપના નેતાઓની સામેલગીરીને પગલે ગુજરાતના મતદારોમાં ભાજપની મથરાવેટી વધુ મેલી થઇ છે. હવે જયારે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આ સેક્સકાંડ પણ ભાજપને નડી શકે છે. અનામત, ખેડૂતોના પ્રશ્નો, ઉનાકાંડ સહિતના અન્ય પ્રશ્નોનો હજુ ભાજપ હલ લાવી શકી નથી ત્યા આ નવી રાજકીય ઉપાધિ આવી પહોંચી છે . આ સેક્સકાંડમાં માત્ર અમિત શાહ જ ડેમેજ કંટ્રોલરની ભૂમિક અદા કરી શકે તેમ છે. અગાઉ પણ આવી કેટલીય ઘટનામાં અમિત શાહે જ ભાજપની ડુબતી નૈયાને બચાવી છે.
અમિત શાહના આગમન બાદ નલિયા સેક્સકાંડને કોઇપણ સંજોગોમાં દાબી દેવા શું શું કરવું તે મુદ્દે અંદરખાને ભાજપના ટોચના નેતાઓમાં વાતચીતનો દોર શરૃ થયો છે. કેન્દ્રીય નેતાગીરીએ પણ આ મામલે ગુજરાત ભાજપ પાસે રિપોર્ટ માગ્યો છેકેમ કે, ભાજપની છબીને સેક્સકાંડે ઘણુ નુકશાન કર્યું છે . સેક્સકાંડની એવી ઇફેક્ટ થઇ છેકે, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની એ પણ મુખ્યમંત્રી વિજય રૃપાણીને મળીને આ મુદ્દે ચિતાર મેળવ્યો છે. કેન્દ્રીય મંત્રી બાંદારૃ દત્તાત્રેય પણ અંકલેશ્વરમાં હોસ્પિટલનું ઉદઘાટન કર્યું હતું. અરૃણ જેટલીએ પણ દત્તક લીધલા ગામડાની મુલાકાત લીધી આમ, કેન્દ્રીય મંત્રીઓને પણ ગુજરાત દોડાવીને પ્રજાલક્ષી કામો થકી સેક્સકાંડ ભૂલાવવા પીએમઓ થી પ્રયાસો કરાયા હતાં. આમ, સેક્સકાંડને ભૂલાવવા ભાજપે પ્રયાસો હાથ ધર્યાં છે.