ગુજરાતમાં ભારે વરસાદને કારણે જો કોઈ સ્થળને સૌથી વધુ નુકસાન થયું હોય તો તે ઉત્તર ગુજરાતનું ધાનેરા છે. વરસાદી પુરને કારણે અહીં ગલીયો અને મકાનો સહિત મંદિરોમાં પણ પાણી ભરાઈ ગયાં હતાં. આ પાણીની સાથે કાદવ કિચડ પણ ત્યાં જમા થઈ ગયો હતો. ત્યારે ઉત્તર ગુજરાતમાં કોમી એકતા અને સદભાવનાનો સંદેશો ફરીવાર વહેતો થયો છે. કાદવ અને કીચડથી ખદબદી ગયેલા મંદિરોને મુસ્લિમ બિરાદરોએ ઉત્સાહ પૂર્વક સાફ કર્યાં હતાં.
તેમણે સફાઈ અભિયાન આરંભીને એકતા અને ધાર્મિક ભાવનાની એક મિસાલ પુરી પાડી હતી. ધાનેરાના ભીલવાસમાં શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરના પુજારીએ જણાવ્યું કે પુરને કારણે સમગ્ર વિસ્તારમાં 8 થી 10 ફૂટ પાણી ભરાઈ ગયા હતા. પાણી ઉતર્યા બાદ જ્યાં જુઓ ત્યાં કાદવ કિચડ્ડ હતો. પાલનપુરથી જમીયત ઉલૈમા એ હિન્દ સંગઠનના 15થી 20 મુસ્લિમ ભાઈઓ ધાનેરામાં લોકોને મદદરૂપ થવા માટે આવ્યા હતા. તેમણે અનેક ધાર્મિક સ્થળોની સફાઈ કરી. તેમણે જોયું કે મંદિરમાં પણ સફાઈ કરવાની જરૂર છે તો તેઓ મારી મદદે આવ્યા. તેમણે મંદિરમાં તેમજ તેના પરિસરમાં રહેલો કાદવ કિચડ દૂર કરી. બે કલાક સુધી સાફ સફાઈમાં મદદ કરી હતી. તેમણે માત્ર ગણપતિ મંદિર જ નહીં આગળ આવેલા સતી માતાના મંદિરની પણ સફાઈ કરી હતી. મુસ્લિમ ભાઈઓએ મંદિરની સફાઇમાં પોતાની સેવા આપી હતી. હાલ સોશિયલ મીડિયા પર પણ આ તસવીરો વાયરલ થઇ રહી છે અને તમામ કોમના લોકો આ અનોખી સેવા માટે તેમની વાહવાઈ કરી રહ્યા છે.