સુરતમાં ઓલપાલ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય મુકેશ પટેલ સાથે ચીલઝડપની ઘટના ઘટી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. શહેરના જાગીરપુર વિસ્તારમાં ધારાસભ્ય મોર્નિંગ વોક પર નીકળ્યા હતા ત્યારે મોટરસાઇકલ પર આવેલા બે શખ્સોએ તેમનો મોબાઇલ ઝૂટવી લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ધારાસભ્યએ મોબાઇલ પકડી રાખતા તેઓ જમીન પર પટકાયા હતા.ચીલઝડપના પ્રયાસ બાદ અન્ય વાહનો પર પીછો કરીને બંને શખ્સોને પકડી લેવામાં આવ્યા હતા. બાદમાં બંને આરોપીઓને પોલીસને સોંપી દેવામાં આવ્યા હતા. જમીન પર પટકાયા બાદ ધારાસભ્ય મુકેશ પટેલને સામાન્ય ઈજા પહોંચી છે.બે મહિના પહેલા સુરતના વરાછા વિસ્તારમાં ઓલપાડના ધારાસભ્ય વિરુદ્ધ બેનેરો લાગ્યા હતા. જેમાં લખવામાં આવ્યું હતું કે, 'ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ ખોવાયેલા છે.' મોટા વરાછાના સુદામા ચોકમાં ધારાસભ્ય વિરુદ્ધ બેનર લાગ્યું હતું. જેમાં લખવામાં આવ્યું હતું કે, "ખોવાયેલ છે. અમારા ધારાસભ્ય. મુકેશ પટેલ (ઓલપાડ) ચૂંટણી જીત્યા બાદ ખોવાયેલ છે. અમારા મોટા વરાછા વિસ્તારમાંથી દરરોજ 10 થી 12 મોબાઈલની ચીલઝડપ થાય છે. એવા સમયે પણ અમારો નેતા જોવા ન મળે તો આવા નેતાનું આપણે શું કામ છે?