વૈશ્વિક કોરોનાની મહામારી વચ્ચે આંતરરાષ્ટ્રીય ઉડાનો પર પ્રતિબંઘ છે ત્યારે હાલમાં કેન્દ્રીય ઉડ્ડયનમંત્રાલય દ્વારા વંદે મિશન હેઠળ આંતરરાષ્ટ્રીય ફલાઇટો ઓપરેટ કરી રહી છે. ગુજરાતમાંથી વિઝિટર વિઝા પર અમેરિકા જનાર ભારતીયોની સંખ્યા વધી રહી છે પરંતુ જરૂરી ડોક્યુમેન્ટના અભાવે છેલ્લા બે મહિનામાં 200થી વધુ ગુજરાતીઓને અમેરિકાના એરપોર્ટ પરથી પાછા ફરવુ પડયુ છે.
અમેરિકામાં છેલ્લા ઘણા વર્ષોથી સ્થાયી થયેલા ભારતીયો કોરોનાને લીધે માતા-પિતા, ભાઇ-બહેન કે અન્ય સગાસંબંધીઓને બોલાવી શકતા ન હતા. કોરોનાના ડરથી ઘરમાંથી રહીને કંટાળેલા ભારતીયોની ધીરજ ખૂટતા ધીમીધીમે એર ઇન્ડિયાની વંદે મિશન હેઠળ સ્પેશિયલ ફલાઇટમાં અમેરિકાના પ્રવાસે જઇ રહ્યા છે. પરંતુ જેમની પાસે વિઝિટર વિઝા છે તેમને અમેરિકાના એરપોર્ટ પર ઉતર્યા બાદ ઇમિગ્રેશનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઇમિગ્રેશન અધિકારી દ્વારા પુછવામાં આવતા પ્રશ્નોનો સંતોષકારક જવાબ ન આપો તો તમને ત્યાંથી ભારત પાછા ધકેલી દે છે.
ખાસ કરીને વિઝિટર વિઝા પર જનાર દરેક ગુજરાતીઓએ તેમના અમેરિકામાં રહેતા સગાસંબંધી મારફતે અમેરિકન દૂતાવાસને એક મેઇલ કરવાનો હોય છે જેમાં તેમને કેમ બોલાવવામાં આવી રહ્યા છે તેનો ઉલ્લેખ કરવાનો હોય છે એટલું જ નહીં કેટલા દિવસ માટે રોકાણ કરવાનું છે તેમજ તેમની રિટર્ન ટિકિટ સાથેનો ઉલ્લેખ કરવાનો હોય છે. જે મેઇલની પ્રિન્ટ વિઝિટર વિઝા પર આવનાર મુસાફર પાસે રાખવી પડે છે.
આ એન્ડોસમેન્ટ કોપી નહીં હોય તો અને ફક્ત તમે વિઝિટર વિઝા લઇને જતા હશો તો તમે ફરવા જઇ રહ્યા છો તેવી શંકાના આધારે અમેરિકાના ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ પુછપરછ કરી ડિપોર્ટ કરી રહ્યા છે. આ પ્રકારની પ્રક્રિયા માલુમ ન હોવાથી વિઝિટર પર અમેરિકા જનાર ગુજરાતીઓ સીધી ટિકિટ બુકીંગ કરાવી દેતા હોય છે દરમિયાન તેમને વિદેશથી પરત ફરવાની નોબત આવે છે. આમ ઉંચા ભાવે ખરીદેલી ટિકિટ અન્ય ખર્ચા પણ માથે પડે છે. જો કે વિઝિટર વિઝા પર જનાર સિનિયર સિટિઝનને ઝડપી ક્લીયર કરી દેવામાં આવે છે.