ગુજરાતમાં ઉત્તરાયણ નજીક આવતાં જ ચાઈનીઝ દોરીનું વેચાણ શરૂ થયું છે. રાજકોટમાંથી આજે 146 નંગ ચાઈનીઝ દોરી ઝડપાઈ છે. જ્યારે સુરતમાં ચાઈનીઝ દોરીએ મોપેડ સવારનું ગળુ કાપી નાંખ્યું હોવાની ઘટના બની છે. સદનસીબે મોપેડ ચાલક સાઈડમાં ઉભો થઈ જતાં તેનો જીવ બચી ગયો હતો. સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈને તે ઘરે જવા રવાના થયો હતો.
સુરત શહેરના સચિન વિસ્તારમાં રવિવારે સાંજે બ્રિજ પરથી મોપેડ લઈને જતાં યુવકને ગળામાં પતંગની ચાઈનીઝ દોરી વાગી હતી. ગળા પર લાંબો ચીરો પડતાં તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લવાયો હતો. જ્યાં સારવાર લીધા બાદ તે ઘરે જવા માટે રવાના થયો હતો. બીજી તરફ રાજકોટમાં ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપાયો છે. ઉત્તરાયણને લઈ ગાંધીનગર કલેક્ટરનું જાહેરનામું સામે આવ્યું છે. જેમાં ચાઈનીઝ દોરી અને તુક્કલ વેચવા પર પ્રતિબંધ છે તેમજ ધાર્મિક લાગણી દૂભાય તેવા લખાણો પતંગ પર ન લખવા તથા જાહેરમાર્ગ પર પતંગ ઉડાવવા પર મનાઈ ફરમાવામાં આવી છે.