જામનગર શહેર અને જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે 966 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું. મોદી જામનગરના એરફોર્સ ખાતે આવી પહોંચ્યા હતા અને કલેક્ટર સહિત રાજકીય નેતાઓએ તેમનું સ્વાગત કર્યં હતું. બાદમાં જી.જી. હોસ્પિટલનું લોકાર્પણ કર્યા બાદ મોદીએ દર્દીઓ સાથે સારવાર અંગે વાતચીત કરી હતી અને હોસ્પિટલમાં નિરિક્ષણ કરી હોસ્પિટલમાં આપવામાં આવતી સારવાર અંગે માહિતી મેળવી હતી. બાદમાં મોદી કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા. મોદીના કાર્યક્રમ સ્થળ પ્રદર્શન ગ્રાઉન્ડમાં વિશાળ જર્મન ડોમ, 5-6 ની સ્ક્રીન બનાવામાં આવી છે. વડાપ્રધાનના કાર્યક્રમ માટે દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર અને જામનગર જિલ્લાના વિવિધ સ્થળોએથી લોકોને કાર્યક્રમ સ્થળે પહોંચવામાં હાલાકી ન પડે તે માટે વહિવટીતંત્ર દ્વારા 700 બસો ફાળવવામાં આવી હતી.જામનગરમાં નરેન્દ્ર મોદીના હસ્તે નવનિર્મિત ગુરુ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલ તેમજ મેડિકલ હોસ્ટેલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
અદ્યતન હોસ્પિટલમાં 700 બેડની સુવિધા સાથે 22 વોર્ડ, રેડિયોથેરાપી, મેડીસીન, પીડીયાટ્રીક તથા સાઇકીયાટ્રીક વિભાગ, સેમીનાર રૂમો, લાઇબ્રેરી જેવી વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવામા આવી છે. નવનિર્મિત હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓની ઘનિષ્ટ સારવાર માટે રેડિયોથેરાપી, કિમોથેરાપી OPD તથા IPD મનોચિકિત્સા સેવાઓ, ECT EEG તથા હિપ્નોથેરાપી CCU, 20 બેડનું ડાયાલીસીસ યુનિટ, ઈમરજન્સી સેવાઓ, કિશોરાવસ્થા કલીનીક, બાળકો માટે ઈમરજન્સી સેવાઓની સુવિધાઓનું પણ નિર્માણ કરાવામા આવ્યું છે. હોસ્પિટલ સાથે નવનિર્મિત એમ.પી.શાહ મેડિકલ હોસ્ટેલમાં પણ નવી સુવિધાઓ જેવી કે રીડીંગ રૂમ, કેન્ટીન, મનોરંજન રૂમ મેડિકલ વિદ્યાર્થીઓને ઉપલબ્ધ કરાવામાં આવશે.નર્મદાના એક માત્ર પીવાના પાણીના સ્ત્રોત પર અવલંબિત રહેવાને બદલે સમાંતર સ્થાનિક કક્ષાએ પીવાના પાણીનો સ્ત્રોત ઉભો કરવાના હેતુથી ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયાકાંઠા આવેલી વિશાળ જળરાશિનો ઉપયોગ કરીને સ્થાનિક જળ સલામતી પ્રદાન કરવાના હેતુથી દરિયાના 45000 ટીડીએસ ધરાવતા ખારા પાણીમાંથી 500 ટીડીએસવાળું મીઠું પાણી બનાવવા માટેના ડિસેલિનેશન પ્લાન્ટ સ્થાપવાનો અભૂતપૂર્વ નિર્ણય સરકારે કર્યો છે.