રાજય સરકારે હાઈકોર્ટને જણાવ્યું છે કે તે ઈન્ટીગ્રેયેડ ડિસીસ સર્વેલન્સ પ્રોગ્રામ (આઈડીપીએલ) હેઠળ એકત્ર કરેલી વિગતો સાર્વજનિક કરવા બંધાયેલી નથી. ચેપી અને મચ્છરજન્ય બીમારીઓ નાથવા સતાવાળાઓને આદેશ આપવા દાદ માંગતી અરજીના જવાબમાં રાજય સરકારે સોગંદનામુ કરી આ વાત જણાવી હતી. સરકારે બહેતર આરોગ્ય સેવા આપવાના પ્રયાસો પણ વર્ણવ્યા હતા.
સોગંદનામામાં સરકારે જરાવ્યું હતું કે રાજયની ખાનગી હોસ્પીટલો અને લેબોરેટરીઓ સહીત તમામ હોસ્પીટલોમાંથી બીમારીદીઠ આંકડા મેળવવા આઈડીએસપીની 2005માં શરુઆત થઈ હતી. સરકારે જણાવ્યું હતું કે શરુઆતના તબકકામાં જ રોગચાળો ફાટી ન નીકળે તે માટે ફીડબેક અને જરૂરી પગલા માટે આ ડેટાનો ઉપયોગ કરવામાં આવે છે. ડેટા અને તેના પૃથ્થકણની વિગતો ભારત સરકાર અને તમામ જીલ્લાઓ, કોર્પોરેશનો સાથે શેર કરવામાં આવે છે. આ કાર્યક્રમ હેઠળ જાહેર પટલ પર ડેટા મુકવાનો કોઈ આદેશ નથી, પણ જરૂરી જણાય અથવા માંગવામાં આવે ત્યારે ડેટા શેર કરવામાં આવે છે.
સરકારે જણાવ્યું હતું કે સ્વાઈન ફલુની બીમારીમાં મૃત્યુના પ્રમાણની દ્રષ્ટીએ રાજયનો ક્રમ ચોથો છે. ગુજરાતમાં સ્વાઈન ફલુના 4819 કેસો નોંધાયા હતા અને 149 લોકોના મૃત્યુ થયા હતા. આમ બીમારીથી મૃત્યુનો રેશિયો 3.09% છે. સરકારે હાઈકોર્ટને જણાવ્યું હતું કે આરોગ્ય ક્ષેત્ર માટે તેણે બજેટ 15% વધાર્યુ છે. 2019-20માં આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે રૂા.10800 કરોડની ફાળવણી કરી છે, જે કુલ બજેટના 5.27% છે.