Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ, કોણ પી શકશે અને કોણ વેચી શકશે?

liquor gift city
, શનિવાર, 23 ડિસેમ્બર 2023 (09:01 IST)
liquor gift city
રાજ્ય સરકારના નશાબંધી અને આબકારી વિભાગે એક પ્રેસનોટ જાહેર કરી છે. જેમાં જણાવ્યું કે 'ગાંધીનગર ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓ અને 'અધિકૃત મુલાકાતી'ઓને લિકરના સેવનની છુટ્ટી આપવાનો નિર્ણય લેવાયો છે.
 
આ છૂટછાટ સમગ્ર ગિફ્ટ સિટીમાં કામ કરતા અધિકૃત કર્મચારીઓ, માલિકોને લિકર એક્સેસ પરમિટ આપવામાં આવશે. જેનાથી તેઓ આવી 'વાઇન એન્ડ ડ્રાઇન' આપતી હોટલ, રેસ્ટોરાં, ક્લબમાં લિકરનું સેવન કરી શકશે.'
 
આ નિર્ણય ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ ટેક સિટી એટલે કે ગિફ્ટ સિટી સંદર્ભે લેવાયો છે.
 
પ્રેસનોટમાં જણાવાયું છે કે ગુજરાત સરકારે ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બિઝનેસ ઇકૉસિસ્ટમ પ્રોવાઇડ કરવાના હેતુથી સમગ્ર ગિફ્ટ સિટી વિસ્તારમાં ‘વાઇન ઍન્ડ ડાઇન’ સુવિધા ઉપલબ્ધ કરાવવા પ્રોહિબિશનના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે.
 
વાઇન ઍન્ડ ડાઇનની સુવિધા આપનારી હોટલ્સ, રેસ્ટોરાં અને ક્લબમાં દારૂનું સેવન કરી શકાશે. આ સિવાય દરેક કંપની જે વ્યક્તિને 'ઑથૉરાઇઝ્ડ કરે તેવા મુલાકાતી'ઓ પણ કામચલાઉ પરમિટના આધારે દારૂનું સેવન તેની સુવિધાઓ આપતી જગ્યા પર જઈને કરી શકશે.
 
શરત માત્ર એટલી હશે કે મુલાકાતી દારૂનું સેવન કરે ત્યારે કંપનીના 'કાયમી કર્મચારી'ની હાજરી જરૂરી હશે.
 
પ્રેસનોટ અનુસાર ગિફ્ટ સિટી વિસ્તારમાં આવતી હોટલ્સ, રેસ્ટોરાં કે ક્લબે પોતાને ત્યાં વાઇન ઍન્ડ ડાઇન સુવિધા પૂરી પાડવા માટે એફ.એલ.3 પરવાના મેળવવાના રહેશે.
 
પણ વાઇન ઍન્ડ ડાઇન સુવિધા પૂરી પાડનાર એકમ દારૂનું વેચાણ નહીં કરી શકે એ સ્પષ્ટતા પણ આ પ્રેસનોટમાં કરાઈ છે.
 
જોકે આ સમગ્ર પ્રક્રિયામાં નશાબંધી અને આબકારી વિભાગ ગિફ્ટ સિટી વિસ્તારમાં આવેલા એફ.એલ.3 પરવાના ધરાવતા એકમોનું નિરીક્ષણ કરશે. જેમાં દારૂની આયાત, સંગ્રહ અને કેટલો દારૂ પીરસાયો તેવી તમામ બાબતોની દેખરેખ રાખશે.
 
'તમામ ગુજરાતીઓનું અપમાન'
 
ગુજરાત કૉંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ સરકારની ગિફ્ટ સિટીમાં દારૂની છૂટના નિર્ણયને વખોડતા કહ્યું, “દારૂને કારણે ગુજરાતના અનેક પરિવારો બરબાદ થયા છે અને સરકારને આ બધી હકીકત ખબર છે. આ વિશે સરકાર લાંબા સમયથી વિચારતી હતી અને સરકારના નિર્ણય મુજબ દારૂ આવે તો જ ઉદ્યોગોનો વિકાસ થાય. સરકાર વિકાસના નામે લાખો પરિવારને વ્યસનની આગમાં જોખવા માગે છે.”
 
“સવાલ અહીં સરકારની નીતિ અને નિયતનો છે. હવે સરકારે વિકાસના નામે ધીમા પગલે દારૂબંધી ઉઠાવવાનો પ્રયત્ન કર્યો છે. જો સરકારમાં થોડી પણ શરમ હોય તો એનસીઆરબીનો ડેટા જોઈ લે, ગુજરાતમાં સતત મહિલાઓ પર અત્યાચાર વધી રહ્યો છે. આવા સંજોગમાં જો સરકારને ગુજરાતીઓ પ્રત્યે થોડો પણ રહેમ હોય તો વિકાસના નામે આવા ખેલ બંધ કરે તો જ ગુજરાતની આવનારી પેઢી વ્યસનની આગમાંથી બચી શકશે.”
 
આ નિર્ણય બાદ આમ આદમી પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી છે.
 
તેમણે એક વીડિયોના માધ્યમથી જણાવ્યું કે, "ગાંધીના ગુજરાતમાં ભાજપ સરકારે ન માત્ર ગાંધીજીનું પરંતુ તમામ ગુજરાતી લોકોનું અપમાન કર્યું છે. મહાત્મા ગાંધીજીએ ગુજરાતમાં દારૂબંધીની ભલામણ કરી હતી અને ત્યારથી ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ ભાજપે ધીરે ધીરે દારૂબંધીને છૂટ આપવાના પ્લાન ઘડી કાઢ્યા છે."
 
"મુખ્ય મંત્રીના બંગલાથી ફક્ત 15 કિલોમીટરની રેન્જમાં આવેલા ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ આપવામાં આવી છે. હવે ત્યાં કર્મચારીઓ, મુલાકાતીઓ અને અધિકારીઓ દારૂ પી શકશે અને ત્યાંથી 15 કિલોમીટર દૂર જો અમદાવાદમાં આવો તો દારૂ પીવા માટે તમારા પર એફઆઇઆર થઈ શકે છે."
 
ગુજરાતમાં કેટલો દારૂ પકડાયો છે?
 
ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યના નશાબંધી અને આબકારી ખાતાએ બંદીશ સોપારકર નામના વકીલે દાખલ કરવામાં આવેલી આર.ટી.આઈ (રાઇટ ટુ ઇન્ફર્મેશન)ની એક અરજીના જવાબમાં કહ્યું હતું કે રાજ્યમાં 2011-12 થી 2017-18 દરમિયાન કુલ 3.85 લાખ લિટર દારૂ વેચાયો હતો, જેમાંથી 3.65 લાખ લિટર દારૂ પરવાનાધારકોને વેચવામાં આવ્યો હતો.
 
આ પરવાનાધારકોમાંથી માત્ર 52,000 પરમિટધારકો ગુજરાતી છે, જ્યારે 3.13 લાખ પરવાનગીઓ ગુજરાતથી બહાર આવેલા પ્રવાસીઓ તેમજ બિઝનેસ ડેલિગેટ્સને આપવામાં આવી હતી.
 
પરવાનાની દુકાનમાંથી થતા દારૂના વેચાણમાં સુરત સૌથી આગળ છે જ્યારે તેના પછીના ક્રમે અમદાવાદ, વડોદરા અને કચ્છ આવે છે.
 
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના રિપોર્ટ મુજબ એપ્રિલ-2019થી ડિસેમ્બર-2020 દરમિયાન ગુજરાતમાંથી રૂ. 215 કરોડનો દારૂ પકડાયો હતો. જેમાં ભારતનિર્મિત વિદેશી દારૂની 15 કરોડ 58 લાખ જેટલી બૉટલ, 34 લાખ 72 હજાર લીટર દેશી દારૂ તથા બિયરની 41 લાખ 23 હજાર બૉટલ ઝડપાઈ હતી.
 
આ ગાળા દરમિયાન લગભગ અઢી મહિનાના લૉકડાઉન તથા કોરોનાનો સમય પણ સામેલ છે, જ્યારે કોવિડ પ્રોટોકૉલના ચાંપતા અમલ માટે રાજ્યભરમાં ઠેરઠેર પોલીસ બંદોબસ્ત તથા પિકૅટિંગ ગોઠવવામાં આવ્યું હતું. દારૂબંધીને લગતા કેસોના 4500 જેટલા આરોપી હોવાનું પણ અખબાર નોંધે છે.
 
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી
 
1960માં બૉમ્બે સ્ટેટનું ભાષાના આધારે વિભાજન થયું, જેના કારણે ગુજરાતી બોલતા લોકો માટે ગુજરાત અસ્તિત્વમાં આવ્યું.
 
નવા રાજ્યના ગઠન માટેના આંદોલનમાં રવિશંકર મહારાજ, ઇન્દુલાલ યાજ્ઞિક સહિત અનેક ગાંધીવાદીઓએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
 
આથી જ જ્યારે ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી 'ગાંધીના ગુજરાત'માં દારૂબંધીની નીતિ સ્વીકારવામાં આવી અને તેનો અમલ થયો.
 
જોકે, હંમેશાં એવું ન હતું, એ પહેલાં ગુજરાતના અમુક સમુદાયો દ્વારા નિયમિત ખાનપાનના ભાગરૂપે શરાબ બનાવતા, તેનું સેવન કરતા અને વેચાણ પણ કરતા હતા.
 
સમાજશાસ્ત્રી વિદ્યુત જોષીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું : "ગુજરાતમાં પ્રૉહિબિશનની નીતિ અંગ્રેજ શાસનકાળ દરમિયાન લાગુ થઈ હતી. એ પહેલાં દક્ષિણ ગુજરાતમાં લોકો તાડી અને ચોખામાંથી દારૂ બનાવતા હતા. આદિવાસી વિસ્તારમાં મહુડામાંથી દારૂ બનાવવામાં આવતો હતો."
 
"અંગ્રેજો આવ્યા ત્યારે આવકના સ્રોત ઊભા કરવા માટે તેમણે દારૂનાં ઉત્પાદન અને વેપાર પર નિયંત્રણ લાદવાનો પ્રયાસ કર્યો. સરકારી દારૂની દુકાનોમાંથી જ દારૂ મળે તેવી વ્યવસ્થા ઊભી કરવાનો પ્રયાસ અંગ્રેજો દ્વારા થયો હતો."

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાત સરકારની ગિફ્ટ સિટીને મોટી ‘ભેટ’, હવે દારૂનું સેવન કરવાની પરવાનગી આપી