રાજ્યમાં જમીન માફિયાઓ બેફામ બન્યા હોય તેમ ગૌચર જમીન ઉપર પણ દબાણ કર્યું હોવાની માહિતી વિધાનસભામાં અપાઇ છે. કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા વિવિધ જિલ્લામાં ગૌચર જમીનમાં કરાયેલા ગેરકાયદે દબાણ અંગે પૂછાયેલા સવાલના જવાબમાં મોટાભાગના જિલ્લાઓમાં હાલની સ્થિતિએ પણ ગૌચરમાં ગેરકાયદે દબાણ હોવાની વાત પંચાયત વિભાગ દ્વારા કબૂલવામાં આવી છે.
અમદાવાદ જિલ્લામાં ૩૬ ગામમાં ગૌચરની જમીનમાં ગેરકાયદે દબાણ કરીને નાના-મોટા કાચા-પાકા બાંધકામ કે ખેતીના હેતુથી વાડા કરી દેવામાં આવ્યા છે. આવશ્યક સરકારી કે લોકહિતના બાંધકામ સિવાયના હેતુ માટે ગૌચરની જમીન સંપાદન કરવા સામે સુપ્રીમ કોર્ટે વર્ષોથી મનાઇ હુકમ ફરમાવી દીધો છે ત્યારે ગુજરાત સરકાર ગૌચર પરના દબાણોથી જાણકાર હોવા છતાં દૂર કરાવી શકી નહીં હોવાનો પણ વિધાનસભામાં અપાયેલી માહિતી પરથી ઘટસ્ફોટ થયો છે. પંચાયત વિભાગ દ્વારા અપાયેલા લેખિત જવાબમાં જણાવાયું છે કે, ગૌચર પરના દબાણો ખેતી અને રહેણાક પ્રકારના છે અને કાચાથી લઇને પાકા બાંધકામ પણ કરી દેવાયા છે. તાલુકા વિકાસ અધિકારી દ્વારા તેને દૂર નહીં કરી શકવાના કારણોમાં જણાવાયું છે કે ન્યાયિક પ્રક્રિયા અને જમીન માપણીની પ્રક્રિયા પડતર હોવાથી કાર્યવાહી પૂર્ણ થયા બાદ વધુ કાર્યવાહી કરવામાં આવશે. કેટલાક કિસ્સામાં કાર્યવાહી કરાઇ હોવાનું પણ જણાવાયું છે. વિવિધ જિલ્લામાં ગૌચરની જમીન ઉપર દબાણ હોય તેવા ગામો પણ મોટી સંખ્યામાં છે. જેમાં કચ્છ જિલ્લામાં ૧૮, છોટા ઉદેપુરમાં ૧૭, અમરેલીમાં ૨૬, સુરેન્દ્રનગરમાં ૨૨, મોરબીમાં બે, રાજકોટમાં ૧૯, પોરબંદરમાં ૫૩, ગાંધીનગર જિલ્લામાં ૯૫, મહેસાણામાં ૨૧૬, મહીસાગરમાં બે, જામનગરમાં ૩, દેવભૂમિ દ્વારકામાં પાંચ, જૂનાગઢમાં ૧૯, ભરૂચમાં ૭, વલસાડમાં ૧૨ ગામમાં ગૌચરની જમીનમાં દબાણ કરાયેલા છે. સમગ્ર સરકારનો વહીવટ જ્યાંથી ચાલે છે તેવા ગાંધીનગર જિલ્લામાં ૯૫ ગામમાં ગૌચર ઉપર દબાણ છે. તો મહેસાણા જિલ્લામાં પણ ૨૧૬ જેટલા ગામમાં દબાણ કરી દેવામાં આવ્યા છે. કેટલાક જિલ્લામાં ઝૂંપડા, ઉકરડા, ગૌશાળા, વાડા વિગેરે પણ કરી દેવામાં આવ્યા છે. જો કે સ્થાનિક તંત્ર આ દબાણો શરૂ કરવામાં આવે ત્યારે જ કેમ અટકાવી શકતું નથી તેની સ્પષ્ટતા જવાબમાં કરવામાં આવી નથી.