ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સમયે રાજકોટ બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ સામે કરેલા નિવેદન બાદ સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિયોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને જબરદસ્ત ક્ષત્રિય આંદોલન થયું હતું. રૂપાલાની ટિકિટ કાપવાની માંગ સાથે શરૂ થયેલા આંદોલનમાં ભાજપને આખા રાજ્યમાં ક્ષત્રિય સમાજ ચૂંટણી સમયે નડ્યો હતો. ચૂંટણી પૂર્ણ થયા બાદ આંદોલનમાં ફાંટા પડેલા જોવા મળ્યા હતાં અને ક્ષત્રિય સંકલન સમિતિમાં પદ્મીનીબા વાળા અને પી.ટી.જાડેજાની ઓડિયો ક્લિપોએ ભારે ચર્ચાઓ જગાવી હતી. તાજેતરમાં જ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કાગવડ ખાતેના ખોડલધામ મંદિરમાં દર્શન કરવા ગયા હતાં અને ત્યાં તેમણે કહ્યું હતું કે આ એક કામ પૂર્ણ થયું છે અને તેનો પાર્ટ-2 અને પાર્ટ-3ના હોય. ત્યારે હવે ક્ષત્રિય સંકલન સમિતિએ આંદોલનને વિરામ આપવાની જાહેરાત કરી છે.
કોઇના દોરી સંચારથી આ આંદોલન ચાલતું નહોતું
આજે સંકલન સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં સંકલન સમિતિના તમામ 15 સભ્યો હાજર રહ્યા હતા. જેમાં સંકલન સમિતિના અગામી સામાજિક કાર્ય અંગે પણ ચર્ચા થઇ હતી. સંકલન સમિતિએ જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજ તરફથી કોઇ શાંતિ ડહોળાઈ નથી, તે બદલ આભાર. આ રાજકીય લડાઇ નહી ચળવળ હતી, જે 45 દિવસ ચાલી હતી. સર્વે સમાજ અને ક્ષત્રિય સમાજના આગેવાનનોને વિનંતી છે કે અંગત રાગ દ્વેષ રાખવો નહી. કોઇ એવા નિવેદન કરવા નહીં, જેથી કોઇ વ્યક્તિગત કે રાગદ્વેષ ઉભો થાય. આ એક અસ્મિતાની લડાઇ હતી. કોઇના દોરી સંચારથી આ આંદોલન ચાલતું નહોતું.
અમે ભાજપનો વિરોધ કર્યો એટલે કોઇ પક્ષનું સમર્થન કરતા નથી
સંકલન સમિતીએ કહ્યું હતું કે, અમે ભાજપનો વિરોધ કર્યો એટલે કોઇ પક્ષનું સમર્થન કરતા નથી. અમે અત્યારે આંદોલનને માત્ર વિરામ આપીએ છીએ. આંદોલન કોઇ વ્યક્તિ સામે નહી અસ્મિતા માટે હતું. અમારી ચેતવણી કે આંદોલન સાથે સંકળાયેલા અમારા આગેવાનોને રંજાડવા નહીં, નહી તો વિરામ લીધેલું આંદોલન ફરી વેગ પકડશે. રૂપાલાનો વ્યક્તિગત વિરોધ હોત તો તેમના આંતરિક જીવન વિશે પણ વાતો થાત. તેઓ ભાજપ રાજકોટના ઉમેદવાર હતા તે વિરોધ હતો. રાજપુત સંકલન સમિતિના સભ્ય તૃપ્તિબા રાઓલે કહ્યું હતું કે અમારી લડાઇ મહિલાઓ માટે બોલાયેલા શબ્દો માટેની હતી. મારી સામે ઘણા વ્યક્તિગત નિવેદનો કરવામાં આવ્યા હતા. મે કોઇને વ્યક્તિગત ટાર્ગેટ કરી નિવેદન કર્યા નથી. મારી સામે થયેલા વ્યક્તિગત પ્રહારો હતા, જેના જવાબ આપવા યોગ્ય નથી.