વડગામનાં ધારાસભ્ય અને યુવાનેતા જીગ્નેશ મેવાણીએ મોરબીમાં સભા સંબોધી હતી. આ સભામાં મેવાણીએ ભાજપ સરકાર અને નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા હતાં. જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે જો હાર્દિક, અલ્પેશ અને જીગ્નેશની ત્રિપુટીનાં કારણે ભાજપની ૧૫૦ બેઠકોનો ઘમંડ ૯૯ બેઠકો આવી ગયો તેજ રીતે લોકસભાની ચુંટણીમાં પણ ભાજપને હરાવીશું. મેવાણીએ વધુમાં જણાવ્યું હતું કે બેરોજગાર યુવાનોને રોજગાર આપવાનું વચન આપ્યું હતું તે નરેન્દ્ર મોદીએ પૂરું કર્યું નથી.
મોરબીની સભામાં જીગ્નેશ મેવાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચેલેન્જ આપી હતી કે જો તેમની ખરેખર ૫૬ ઇંચની છાતી હોય તો પાકિસ્તાનમાંથી હાફીઝ સઈદ અને દાઉદને પકડી લાવો. મેવાણીએ આ અંગે જણાવ્યું હતું કે હાફીઝ સઈદ અને દાઉદને પકડી લાવવા માટે દરેક કલેકટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવશે. વધુમાં મેવાણીએ કહ્યું હતું કે ૨૦૧૯ ની ચુંટણી જેમ નજીક આવતી જશે તેમ મોદી પાકિસ્તાન સાથે યુદ્ધ - યુદ્ધ રમવાનું નાટક કરશે જેને કારણે દેશનાં પ્રાથમિક પ્રશ્નો મોંઘવારી, આરોગ્ય. શિક્ષણ, રોજગાર પ્રજાને ભુલાવી શકાય. આ ઉપરાંત મેવાણીએ જણાવ્યું હતું કે ઉનાકાંડના પીડિતોને તત્કાલીન ભાજપ સરકારે જે મળવાપત્ર સહાય જાહેર કરી હતી તે હજુ સુધી મળી નથી. આ સહાય નહી મળે તો કર્ણાટકની ચૂટણીમાં નરેન્દ્ર મોદીનો કાફલો બેંગ્લોરમાં રોકીશું. ઉલ્લેખનીય છે જીગ્નેશ મેવાણી કેન્દ્ર સરકાર વિરુદ્ધ રોજગાર મામલે બેંગ્લોરમાં એક રેલી પણ યોજશે.