દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં એક વ્યક્તિની હત્યાનો મામલો સામે આવ્યો છે. ત્રણ સગીરોએ કથિત રીતે એક વ્યક્તિની હત્યા કરી હતી. પોલીસે ગુરુવારે જણાવ્યું હતું કે આરોપીઓ પુષ્પા જેવી ગુના આધારિત ફિલ્મોથી પ્રભાવિત હતા અને ફિલ્મમાં હીરોની જેમ ગુનાની દુનિયામાં પ્રખ્યાત થવા માગતા હતા. હત્યાના આરોપીઓની દિલ્હી પોલીસે ધરપકડ કરી લીધી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ હત્યા બાદ એક વીડિયો પણ બનાવ્યો હતો અને તેને ઈન્સ્ટાગ્રામ પર મૂકવા માંગતો હતો. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, બુધવારે જહાંગીરપુરી પોલીસને બાબુ જગજીવન રામ મેમોરિયલ હોસ્પિટલમાંથી માહિતી મળી હતી કે એક વ્યક્તિના પેટમાં ચપ્પુ વાગ્યુ હતુ અને તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મૃતકનું નામ શિબુ (24) છે અને તે જહાંગીરપુરીનો રહેવાસી હતો.
ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ઉત્તર પશ્ચિમ) ઉષા રંગનાનીએ જણાવ્યું હતું કે સીસીટીવી ફૂટેજથી જાણવા મળ્યું છે કે મૃતક અને આરોપી વચ્ચે લડાઈ થઈ હતી. બાદમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓએ પોલીસને જણાવ્યું કે તેઓ પુષ્પા (Pushpa)અને ભૌકલ(Bhaukal) જેવી ફિલ્મો અને વેબ સિરીઝમાં દર્શાવવામાં આવેલા ગેંગસ્ટરોની જીવનશૈલીથી પ્રભાવિત હતા.