અમદાવાદમાં રોડ કપાતને લઈને ભાજપના ગઢમાં જ ભાજપનો વિરોધ શરૂ થયો હતો. નારણપુરા ક્રોસિંગથી ગામ સુધીના 1.5 કિલોમીટરના રોડ કપાતને લઈ ફરી એકવાર સ્થાનિક લોકોએ બેનર લગાવી વિરોધ કર્યો હતો. લોકોના વિરોધ બાદ AMCની કપાતની કામગીરી આજે મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
200 મિલકતો આજે કપાત માટે કામગીરી હાથ ધરવાની હતી પરંતુ છેલ્લી ઘડીએ નિર્ણય પડતો મૂકવામાં આવ્યો છે. નારણપુરામાં કપાતમાં જતી મિલકત પર બુલડોઝર ફરવાનું હતું તેના કારણે લોકો રોષે ભરાયા હતાં. પરંતુ આ નિર્ણય મોકૂફ રાખવામાં આવતા લોકોમાં હાશકારો દેખાયો છે. નારણપુરામાં દબાણ તોડવાની આજે કામગીરી હાથ ધરવામાં આવવાની હતી તે પહેલા સ્થાનિકો દ્વારા તેનો જોરશોરથી વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ માટે મહિલાઓ પણ રસ્તા પર બેસી ગઈ હતી. આખરે નિર્ણયને આજે મોકૂફ રખાતા લોકો ખુશી વ્યક્ત કરી રહ્યા છે.ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવ્યું હોવાથી લોકોને પડતી અગવડને દૂર કરવા માટે 200 જેટલા મકાનો પર બુલડોઝર ફરવાનું હતું જેને આજે અટકાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સ્થાનિકોએ આગામી દિવસોમાં જો રોડ કપાત કરાશે તો સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. આ અંગે નારણપુરાના લોકોએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતાં કહ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આ વિસ્તારમાં રોડ કપાતનો મુદ્દો હતો અને સ્થાનિક લોકોએ ખૂબ મોટો વિરોધ કર્યો હતો. ભાજપના નેતાઓએ અમને વિશ્વાસમાં લઈ અમે કામગીરી કરીશું એવી ખાતરી આપી હતી. પરંતુ હવે નિર્ણય મોકૂફ રખાતા લોકોમાં ખુશી જોવા મળી છે.