Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૨૪ કલાકમાં ૨ બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાનથી ૮ લોકોને મળ્યું નવજીવન

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૨૪ કલાકમાં ૨ બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાનથી ૮ લોકોને મળ્યું નવજીવન
, મંગળવાર, 20 ડિસેમ્બર 2022 (09:53 IST)
અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોની કર્તવ્યનિષ્ઠાએ ફરી એક વખત જરૂરિયાતમંદોને નવજીવન આપ્યું છે.અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૨૪ કલાકમાં ૨ બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાનથી ૮ જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું છે.  અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોના સત્તકાર્યોની સુવાસ રાજ્ય ઉપરાંત દેશ અને વિદેશમાં પણ પ્રસરી છે.જેના પરિણામ સ્વરૂપ જ આ સિધ્ધિ હાંસલ થઇ છે. 
 
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થયેલ ૯૭માં અંગદાનની વિગત જોઇએ તો સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં આવેલ અસાઇ વાસણા ગામના ૩૫ વર્ષીય પંકજભાઇ ઠાકરડાને માથાના ભાગમાં ગંભીર ઇજા થતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામા આવ્યા હતા. 
 
આ સારવાર દરમિયાન પંકજભાઇ ઠાકરડાની શારિરીક સ્થિતિ ગંભીર બની. તબીબોના તમામ પ્રયાસ છતા પણ પંકજભાઇની સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો ન હતો. અંતે તબીબો દ્વારા પંકજનભાઇને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યાં. તબીબોએ આ ક્ષણે પરિજનો અને ગામના વડીલ આગેવાન હિરાભાઇ રબારીને અંગદાન માટે પ્રેરણા આપી.
 
પંકજભાઇ ઠાકરડાના પિતા સોમાજી બદરજી ઠાકરડા અને ગામના આગેવાન તેમજ પરિજનોએ પરસ્પર ચર્ચા કરીને આખરે જનહિતલક્ષી સૌથી મોટું સેવાકાર્ય કરવાનો નિર્ણય કર્યો. બ્રેઇનડેડ પંકજભાઇ ઠાકરડાના અંગોનું દાન કરવા માટે સંમતિ દર્શાવી. સિવિલ હોસ્પિટલના તબીબોએ આ અગાઉ ૯૬ માં અંગદાનમાં અંદાજીત ૧૦ થી ૧૨ કલાક સતત  મહેનત કરીને ૪ અંગો રીટ્રાઇવ કરીને ૪ વ્યક્તિઓને નવજીવન આપ્યું હતું. લગોલગ આ ૯૭ મું અંગદાન થતા ચહેરા પર કોઇપણ પ્રકારનો થાક નહીં પરંતું સેવા અને જરૂરિયાતમંદને પીડામુક્ત કરવાની તત્પરતા હતા. તબીબોએ બ્રેઇનડેડ પંકજભાઇના અંગોને રીટ્રાઇવલ કરવાની શરૂઆત કરી. ૧૦ થી ૧૨ કલાકની મહેનત બાદ હ્રદય, બે કિડની અને લીવરનું દાન મળ્યું. 
 
હ્રદયને યુ.એન.મહેતા હોસ્પિટલમા દાખલ દર્દીમાં જ્યારે કિડની અને લીવરને અમદાવાદ સિવિલ મેડિસીટીની જ કિડની ઇન્સ્ટીટ્યુટમાં દાખલ દર્દીમાં પ્રત્યારોપણ કરવા માટે મોકલવામાં આવ્યા. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી ૯૭ માં અંગદાન બાદની પ્રતિક્રિયા આપતા કહે છે કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબો અને કાઉન્સેલીંગ ટીમ ઉપરાંત, સીક્યુરીટી સ્ટાફ, પોલીસ તંત્ર અને SOTTO ની સમગ્ર ટીમની નિષ્ઠાનું આ પરિણામ છે. સિવિલ હોસ્પિટલમાં ૨૪ કલાકમાં ૨ અંગદાન થયા છે. આગામી સમયમાં પણ વધુમાં વધું અંગદાન દ્વારા જરૂરિયાતમંદોને નવજીવન આપવા માટે સિવિલ હોસ્પિટલની સમગ્ર ટીમ કટિબધ્ધ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આશીર્વાદ રૂપ ઔષધીય રોપ ઉછેરની આગવી પહેલ...લોકોમાં ડિમાન્ડ વધી