અમદાવાદમાં સીમ્સ હોસ્પિટલ નજીક હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. જેમાં BMW કારચાલકે રસ્તે જતા દંપતિને અડફેટે લીધા હતા. અકસ્માત બાદ કારચાલક ઘટનાસ્થળેથી દોઢ કિલોમીટર દૂર કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. કારમાંથી એક પાસબુક તથા દારૂની બોટલો પણ મળી આવી છે. જેમાં પાસબુક પર સત્યમ શર્મા નામ લખેલું જોવા મળ્યું હતું. અકસ્માતે દંપતિને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યું છે. આ મામલે પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ, અમદાવાદના સોલાની સીમ્સ હોસ્પિટલ પાસે ગત તા.1 માર્ચે 09:45 વાગ્યાની આસપાસ હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં BMW કાર નંબર GJ-01-KV-1008ના ચાલક સત્યમ શર્મા (ઉર્ફે ભોલુ) ફૂલ સ્પીડે કાર ચલાવીને અમીત સિંઘલ અને તેમની પત્ની મેઘાબેનને અડફેટે લીધા હતા. આ બનાવવામાં દંપતીને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું હતું. જેથી તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ અકસ્માતના CCTV પણ સામે આવ્યા છે. જોકે અક્સમાત સર્જાતા કારચાલક બનાવના સ્થળેથી દોઢ કિલોમીટર દૂર કારને મુકીને નાસી ગયો હતો. પોલીસે કારની તપાસ કરતા કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી અને સાથે ભાજપનો ખેસ પણ કારની સીટ પર જોવા મળ્યો હતો.આ મામલે એન ડિવિઝન પોલીસે ભોગ બનનાર સોલા, વેદાંત શ્રીજી લીવિંગ હોમમાં રહેતા અમીતભાઈ દેવકીનંદન સિંઘલ (ઉં.વ.44)ની ફરિયાદ લીધી હતી. અમીતભાઈ અને તેમની પત્ની મેઘાબેન બંનેને આ અકસ્માતમાં પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે બીજી બાજુ ઉપરોક્ત BMW કારમાંથી પોલીસને દારૂની બોટલ મળી આવી હતી. જોકે આ બનાવમાં ચોકાવનારી બાબતે એ છે કે કારની ફ્રન્ટ સીટ પર ભાજપનો ખેસ મળી આવ્યો હતો. ત્યારે તે મોબાઇલમાં રેકોર્ડ ન થાય તે માટે એક પોલીસ કર્મચારી તેને છુપાવવા માટે તેની ઉપર બેસી ગયો હતો.