અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ કેટલી હદે વધી રહ્યું છે. તેને અંદાજ ઇમરજન્સી સેવા 108 દ્વારા હેન્ડલ કરાયેલા કોવિડ કેસોની સંખ્યા પરથી આવી શકે તેમ છે. હાલમાં ગત સાત તારીખથી રોજના 450 થી 580ની સંખ્યામાં કોરોનાના દર્દીઓ 108 મારફતે વિવિધ હોસ્પિટલોમાં શિફ્ટ કરાઇ રહ્યા છે. વધુ ચિંતાની બાબત એ છે કે છેલ્લા 14 દિવસમાં અમદાવાદમાં કોરોનાના 5540 દર્દીઓને 108 દ્વારા શિફ્ટ કરવામાં આવી ચૂક્યા છે.
જ્યારે ગુજરાતની વાત કરીએ તો આ આંકડો 20615 નો છે. જેમની સ્થિતિ વધુ ગંભીર હોય તેવા કોરોનાના દર્દીઓને ઇમરજન્સી સેવા 108 દ્વારા તાત્કાલિક સારવાર માટે મ્યુનિ.હોસ્પિટલોમાં ખસેડાઇ રહ્યા છે. અમદાવાદમાં એપ્રિલ માસમાં કોરોના વિસ્ફોટ થયો છે. રોજના અઢી હજાર જેટલા કોરોનાના કેસ એકલા અમદાવાદ શહેરમાંથી આવી રહ્યા છે. રાજ્યમાં સૌથી વધુ સંક્રમીત શહેર અમદાવાદ બની ચૂક્યું છે. ઇમરજન્સી સેવા 108ના અધિકારીઓના જણાવ્યા મુજબ હવે રોજની મહત્તમ ઇમજરન્સી કોવિડને લગતી આવી રહી છે.
રાજ્યમાં ઇમજરન્સી સેવા 108ની કુલ 660 વાનો 24 કલાક માટે દોડાવાઇ રહી છે. અમદાવાદમાં રોજના 500 જેટલા કોવિડના દર્દીઓ આવી રહ્યા હોવાથી હવે વેઇટિંગ વધી રહ્યું છે.ગત વર્ષ 2020 માં માર્ચ માસથી કોરોનાના કેસ ગુજરાતમા જોવા મળ્યા છે. તેમાં ચાલુ એપ્રિલ માસમાં 14 દિવસમાં નોંધાયેલા અમદાવાદ અને રાજ્યના કોરોનાના આંકડા અત્યાર સુધીના સૌથી વધુ છે. અમદાવાદમાં પહેલી એપ્રિલે જ્યાં રોજના 217 કેસ આવતા હતા ત્યાં હવે બમણા કેસ એટેલે 500 થી વધુ કેસો આવી રહ્યા છે. જેથી સ્થિતિ ચિંતાજનક બની છે. ગત વર્ષ 2020ના માર્ચ માસથી અત્યાર સુધીમાં અમદાવાદમાંથી કુલ 57634 કોરોનાના દર્દીઓને 108 દ્વારા હોસ્પિટલમાં શિફ્ટ કરાયા છે. જ્યારે રાજ્યની વાત કરીએ તો આ આંકડો 1 લાખ 62 હજાર 135 થયો છે.