ગુજરાતમાં હવે ચૂંટણીનું રણશિંગુ ફુંકાઈ ચૂકયું છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા હવે તડજોડની રાજનિતી પણ થવા માંડી છે. ત્યારે પાટીદાર આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ હવે કોંગ્રેસમાં ખરેખર જોડાઈ જવાનો છે અને ચૂંટણી પણ લડવાનો છે એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. હાર્દિક પટેલ આગામી 12મીએ કોંગ્રેસમાં જોડાશે. આ સાથે તેઓ લોકસભાની ચૂંટણી જામનગરથી લડશે તેમ કોંગ્રેસના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. જોકે આ બાબતે હાર્દિક પટેલે કહ્યું હતું કે હું રાજકીય રીતે તૈયાર છું પણ હજુ કંઈ નક્કી નથી. દિલ્હીમાં કોંગ્રેસની સ્ટેન્ડિંગ કમિટીની મળેલી બેઠકમાં 12મી માર્ચે અડાલજમાં મળનારી જાહેર સભામાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની હાજરીમાં હાર્દિક કોંગ્રેસમાં જોડાશે. જામનગર અને રાજકોટ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી રેલી અને જાહેર સભા કરતા હાર્દિકે છેવટે જામનગરથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું હોવાનું જાણવા મળ્યું છે. બેઠકમાં લોકસભાની 6 બેઠક પર એક નામ, 10 બેઠક પર બે દાવેદારોના નામ નક્કી થયા છે. સાત બેઠકો પર 20 માર્ચ સુધીમાં ઉમેદવારો જાહેર થઈ શકે છે.