ગાંધીનગર: રાજ્યમાં ભારે વરસાદની પરિસ્થિતીની આગાહીને ધ્યાને લઇને રાજ્યનું સમગ્ર વહીવટીતંત્ર સતર્ક છે. તમામ જિલ્લાઓને એલર્ટ પર રહેવા સૂચના આપવામાં આવી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જણાવ્યાનુસાર ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં કોઇ સ્થળે વધુ સ્થિતિ ગંભીર બને તો તેવા સંજોગોમાં રેસ્કયુ સહિતની કામગીરી સત્વરે પૂરી પાડવા માટે એન. ડી. આર. એફ.ની ૧૮ ટીમો અને એસ. ડી. આર. એફ.ની ૧૧ ટીમો તહેનાત કરવામાં આવી છે.
જેમાં દક્ષિણ ગુજરાતમાં ૭ એન.ડી.આર.એફ.ની ટીમો, સૌરાષ્ટ્રમાં પાંચ ટીમો, ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં ત્રણ-ત્રણ ટીમો કાર્યરત છે. રાજ્યમાં થઇ રહેલ વરસાદને પરિણામે કોઝવેમાં પાણી ભરાયા છે અને ૧૫૪ રસ્તાઓ બંધ છે. જેમાં તાપી જિલ્લાના ૩૯, છોટાઉદેપુરમાં ૩૧ રસ્તાઓનો સમાવેશ થાય છે. આ તમામ રસ્તાઓ પર પાણી ઓસરતાં રસ્તા પૂર્વવત થઇ જશે. ઉપરાંત ૧૬ ગામોને વીજળીની અસર થઇ છે એ માટે પણ કામગીરી ચાલુ છે જે સત્વરે પૂર્ણ કરવામાં આવશે.
રાજ્યમાં આજે સવાર સુધીમાં ૧૬૮ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે. જેમાં છોટાઉદેપુર તાલુકામાં ૩૩૬ મી.મી. એટલે કે ૧૩ ઇંચ, કવાંટમાં ર૮ર મી.મી. એટલે કે ૧૧ ઇંચ અને કુકરમુંડામાં ર૦૭ મી.મી. એટલે કે આઠ ઇંચથી વધુ વરસાદ થયો છે. આ સાથે રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૬૬.૪૧ ટકા જેટલો થયો છે. રાજ્યના ૧૩ જળાશયો પણ છલકાયા છે. સરદાર સરોવરમાં ૭પ.૯૯ ટકા જળસંગ્રહ થયો છે.
રાજ્યમાં ભારે વરસાદ પડે તો સમગ્ર પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સુસજ્જ છે અને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા તમામ જિલ્લાઓ સાથે સતત સંપર્ક કરીને મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.