Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સમગ્ર ઉત્તર ગુજરાતને મેઘરાજાએ ઘમરોળ્યુંઃ અમદાવાદમાં ભારે પવનને કારણે વૃક્ષો ઘરાશાયી

સમગ્ર ઉત્તર ગુજરાતને મેઘરાજાએ ઘમરોળ્યુંઃ અમદાવાદમાં ભારે પવનને કારણે વૃક્ષો ઘરાશાયી
, મંગળવાર, 1 ઑક્ટોબર 2019 (11:38 IST)
કચ્છ પાસે સર્જાયેલી વેલમાર્ક લોપ્રેશર સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાતાં સમગ્ર ઉત્તર ગુજરાતને મેઘરાજાએ ઘમરોળી નાખ્યું હતું. 24 કલાકમાં સૌથી વધુ વરસાદ સતલાસણા અને ભાભરમાં 7.5 ઇંચ તેમજ રાધનપુરમાં 7 ઇંચ ખાબક્યો હતો. તો હારીજમાં 4.5, પાટણ, દિયોદર અને કાંકરેજમાં 4 ઈંચ, સિદ્ધપુરમાં 3.5, વિસનગર, મહેસાણા, સરસ્વતી, સાંતલપુર અને શંખેશ્વરમાં 3 ઇંચ, ઊંઝા, બહુચરાજી અને ચાણસ્મામાં 2.5 ઇંચ તેમજ ખેરાલુ, વડનગર, જોટાણા, વિજાપુર, સમી, દાંતા, વડગામ અને સુઇગામમાં 2 ઇંચથી તેમજ કડીમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. હજુ બે દિવસ હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
ભારે વરસાદમાં કડી તાલુકાના માથાસુરમાં મકાન પડતાં લીલાબેન ધુળાભાઇ અને વિસતપુરામાં છજુ પડતાં ગોમતીબેન પ્રભુદાસ પટેલનું મોત થયું હતું. તેમજ એક મહિલાને ઇજા થઇ હતી. જ્યારે બહુચરાજીના રણછોડપુરામાં વીજળી પડવાથી ભેંસનું મોત થયું હતું. પાટણ શ્રમજીવી વિસ્તારમાં મકાનની છત ધરાશાયી થઇ હતી. સદનસીબે બાળકીનો બચાવ થયો હતો.સોમવારે સવારથી વાદળછાયા વાતાવરણ અને થોડા-થોડા સમયના અંદરે વરસાદી ઝાપટાં તેમજ કલાકના 23 કિલોમીટરથી માંડી 49 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતાં શહેરના વિવિધ વિસ્તારમાં 64 પડી ગયા હતા અને 40 રસ્તા બંધ થઈ ગયા હતા. 
શાહીબાગ અંડરબ્રિજ પાસે રેલવે કોલોનીમાં એક તોતિંગ ઝાડ તૂટી પડતાં રેલવેના એક કર્મચારીને માથામાં ઈજા થતાં તેમનું મૃત્યુ થયું હતું. તીવ્ર પવનને લીધે અમદાવાદ એરપોર્ટનો રન-વે બંધ કરવો પડ્યો હતો અને સાંજે 7 પછીની બધી ફ્લાઈટો મોડી પડી હતી.ગોદરેજ ગાર્ડન સિટી અને નવરંગપુરામાં કાર પર ઝાડ પડ્યા હતા. ગોદરેજ ગાર્ડન સિટી પાસે કાર પર ઝાડ પડ્યું ત્યારે એક યુવતી કારમાં હતી. જો કે, તેને બચાવી લેવામાં આવી હતી. નવરંગપુરામાં ડેપ્યુટી કમિશનરના બંગલાની કમ્પાઉન્ડ વોલ જ્યારે જગન્નાથ મંદિર બહાર પોલીસ ચોકીનો મેઈન ગેટ ઝાડ પડતાં તૂટી ગયા હતા. 
આસ્ટોડિયામાં પથ્થરવાળી મસ્જિદ પાસે રિક્ષા પર હોર્ડિંગ્સ પડ્યું હતું. એસજી હાઈવે પર લાઈટનો થાંભલો ઊખડી પડ્યો હતો. જ્યારે જીએમડીસી ગરબા ગ્રાઉન્ડમાં લાઈટો માટે ઊભા કરાયેલા ટાવર ઊખડી પડ્યા અને મેદાન તળાવ બની ગયું હતું. શહેરમાં મોટાભાગની સોસાયટી અને પાર્ટી પ્લોટમાં ગરબા રદ કરવા પડ્યા હતા. સોમવારે શહેરભરમાં સરેરાશ 1 ઈંચ વરસાદ પડ્યો હતો. સિઝનનો કુલ વરસાદ 33.60 ઈંચ થયો છે. 
2018માં મોસમનો 51.72 ઇંચ વરસાદ નોંધાયો હતો. જેની સરખામણીએ ચાલુ વર્ષે 15.50 ઇંચ વધુ વરસાદ નોંધાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે ચોમાસું સપ્ટેમ્બર માસના બીજા સપ્તાહ બાદ વિદાય લે છે. પરંતુ ચાલુ સિઝનમાં સપ્ટેમ્બર માસ પૂર્ણ થયા છતાં હજુ મોન્સૂન સક્રિય છે. સોમવારે 17 મીમી વરસાદ શહેરમાં ખાબક્યો હતો. હજુ આગામી બે દિવસ સુધી વરસાદની આગાહી કરાઈ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સામાન્ય માણસનો અભાવ, એલપીજી સિલિન્ડર સતત બીજા મહિનામાં મોંઘું થયું