ગુજરાતી ભાષા હવે જળવાય એવી પરિસ્થિતિ રહી નથી કારણ કે આપણે અંગ્રેજીને ઘેલું લગાડી દીધું છે. અમદાવાદની શૈક્ષણિક સંસ્થાઓના આંકડા શહેરીજનોનો ગુજરાતી તરફનો લગાવ ઘટતો હોય તેવા જોવા મળી રહ્યાં છે. માતા પિતાની બાળકોને ગુજરાતી માધ્યમની જગ્યાએ અંગ્રેજી માધ્યમમાં ભણાવવાની ઘેલછા વધી રહી છે જેના લીધે અમદાવાદ સહિતના શહેરોમાં ગુજરાતી શાળાઓ નામશેષ થવાને આરે આવીને ઉભી છે.
આજકાલ દરેક માતા પિતા પર પોતાનું બાળક અંગ્રેજી શાળામાં અભ્યાસ કરે તેવી ઈચ્છા ધરાવે છે. જેના પગલે દરેક માતાપિતા પોતાના બાળકનું એડમિશન ઈંગ્લિશ મિડિયમ શાળામાં લઈ રહ્યાં છે. દેખા દેખી કહો કે બીજુ કઈ પરંતુ પોતાના બાળકને અંગ્રેજી માધ્યમની શાળામાં જ અભ્યાસ કરાવવાનો ક્રેઝ હવે વધી રહ્યોં છે. અને એના કારણે જ ગુજરાતી શાળાનું પ્રમામ દિવસે દિવસે ઘટી રહ્યું છે.
જિલ્લા શિક્ષણાધિકારી આર.સી. પટેલના મતે ચાલુ વર્ષે અમદાવાદ શહેમાં 42 જેટલા અરજદારોએ પ્રાથમિક શાળા શરુ કરવા માટે અરજી કરી હતી. જેમાં 38 જેટલી અરજીઓ અંગ્રેજી માધ્યમની શાળાઓ હોવાનું સામે આવ્યું છે. જ્યારે માત્ર 4 જ અરજદારો છે જેમણે ગુજરાતી શાળા શરુ કરવા માટેની અરજી કરી છે. જેમાં ધોરણ 1થી 5 માટે 20 જેટલી શાળાઓએ અરજી કરી હતી જેમાં અંગ્રેજી માધ્યમની 18 અને ગુજરાતી માધ્યમની 2 શાળાઓનો સમાવેશ થાય છે.
અમદાવાદ શહેરની જ નહિ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની પણ આજ સ્થિતિ છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ 42 જેટલી શાળાઓ શરુ કરવા માટે અરજી આવી હતી. જેમાં અંગ્રેજી માધ્યમની 32 જ્યારે ગુજરાતી માધ્યમની 10 શાળાઓનો સમાવેશ થાય છે. જેમાં ધોરણ 1થી 5થી અંગ્રેજી માધ્યમની 14 અને ગુજરાતી માધ્યમની 10 શાળાઓ શરુ કરવાની અરજી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીએ આવી છે. વાલીઓ એ નથી વિચારતા કે તેઓ કોઈને કોઈપ્રકારે ગુજરાતી ભાષા સાથે, સંસ્કૃતિ સાથે છેડો ફાડી રહ્યાં છે.
અમદાવાદમાં વધી રહેલા અંગ્રેજી માધ્યમની સ્કૂલના ક્રેઝને કારણે ગુજરાતી માધ્યમની સ્કૂલના વળતા પાણી દેખાઈ રહ્યાં છે. અને જે પ્રકારે અમદાવાદ શહેરમાં 935 ખાનગી પ્રાથમિક શાળાઓ છે. જેમાં એક સમયે 100 ટકા ગુજરાતી શાળાઓ હતી હાલ તે ટકાવારી 60 ટકા ગુજરાતી અને 40 ટકા અંગ્રેજી થઈ ગઈ છે. એટલે ધીરે ધીરે ગુજરાતી શાળાઓમાં ઘટાડો થઈ રહ્યોં છે. તો એ દિવસો દૂર નથી કે ગુજરાતી માધ્યમની શાળાઓ પર ખંભાતી તાળાઓ જોવા મળશે.