કોંગ્રેસ હાઈકમાન્ડ નિરીક્ષક મોકલીને ધારાસભ્યોના અભિપ્રાય મેળવશે, બાદમાં હાઈકમાન્ડ નિર્ણય લેશે
રાજ્યમાં છ મહાનગર પાલિકા સહિત જિલ્લા અને તાલુકા પંચાયત તથા નગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને સૌથી મોટા પરાજયનો સામનો કરવો પડ્યો છે. હવે રાજ્યમાં જાણે કોંગ્રેસ મુક્ત જેવું વાતાવરણ સર્જાઈ રહ્યું છે. બીજી બાજુ આવનારી વિધાનસભામાં ભાજપ દ્વારા 150 સીટો મેળવવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે. ત્યારે કોંગ્રેસમાં હવે ટાંટિયા ખેંચ બંધ નથી થઈ અને વિપક્ષના નેતા બનવા માટે કોંગી નેતાઓમાં ખેંચતાણ શરુ થઈ ગઈ છે. ત્યારે પક્ષે વિધાનસભામાં વિપક્ષના નવા નેતાની શોધખોળ આદરી છે. જે હવે કોંગ્રેસના ધારાસભ્યોના અભિપ્રાય મેળવ્યા બાદ વિપક્ષના નેતાની પસંદગી કરવામાં આવશે.
10 માર્ચ પછી વિપક્ષના નેતા નક્કી થઈ શકે
અત્યારથી જ વિપક્ષ નેતાનુ પદ મેળવવા કોંગ્રેસના ધારાસભ્યોમાં અંદરોઅંદરની ખેંચતાણ જામી છે. કોંગ્રેસ હાઇકમાન્ડે વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીનું રાજીનામુ સ્વિકારી લીધુ છે. ત્યારે નવા વિપક્ષી નેતા કોણ એ મુદ્દો કોંગ્રેસમાં ચર્ચાનો વિષય બન્યો છે. હવે આદિવાસી જ નહીં, પાટીદારો, ક્ષત્રિય ધારાસભ્યોએ વિપક્ષ નેતા પદ મેળવવા અત્યારથી રાજકીય લોબિંગ શરૂ કરી દીધુ છે. આદિવાસી ધારાસભ્યોએ તો શુક્રવારે જ ગાંધીનગર સરકીટ હાઉસમાં બેઠક યોજીને આ માંગને આગળ ધપાવી દીધી છે. સૂત્રોના મતે, 10મી માર્ચ બાદ વિપક્ષના નેતાની પસંદગીની પ્રક્રિયાનો પ્રારંભ થઇ શકે છે.
કોંગ્રેસ હાઈકમાન્ડ નિરીક્ષકને મોકલશે
કોંગ્રેસ હાઇકમાન્ડ ટૂંક જ સમયમાં ગુજરાત વિધાનસભા વિપક્ષની પસંદગી માટે એક કેન્દ્રીય નિરીક્ષકને મોકલશે. આ નિરીક્ષક કોંગ્રેસી ધારાસભ્યોના મત મેળવશે.ધારાસભ્યોની સર્વસંમતિ બાદ હાઇકમાન્ડને આ મામલે રિપોર્ટ મોકલાશે. 28મી માર્ચ સુધી વિધાનસભા વિપક્ષના નેતાના નામની જાહેરાત થઇ શકે છે. હાલમાં ધારાસભ્ય પૂંજા વંશનુ નામ મોખરે ચાલી રહ્યુ છે.જયારે ધારાસભ્ય અશ્વિન કોટવાલ, શૈલેષ પરમાર, લલિત કગથરા, સી.જે.ચાવડાના નામો પણ ચર્ચાઇ રહ્યાં છે. આમ, વિધાનસભા વિપક્ષના નેતાની પસંદગી પ્રક્રિયા ટૂંક સમયમાં આરંભી દેવાશે અને ચાલુ માર્ચના અંત સુધીમાં નવા વિપક્ષી નેતાના નામની સત્તાવાર જાહેરાત કરાય તેવી પૂરેપુરી શક્યતા જોવાઇ રહી છે.
AMCમાં વિપક્ષના નેતાની વરણીમાં નેતાઓ નિરુત્સાહી
રાજ્યમાં છ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યા બાદ ભાજપે હવે મેયર માટે બેઠકો શરુ કરી દીધી છે. ત્યારે કોંગ્રેસમાં વિપક્ષના નેતાના પદ માટે હજીય કોઈ ઉમેદવારને રસ નથી એવું સુત્રો જણાવી રહ્યાં છે. લઘુમતિ સમાજના બે પુરુષ અને દલિત સમાજના બે મહિલા કોર્પોરેટરોની દાવેદારીથી કોંગ્રેસમાં ફરીવાર ભડકો થવાની સંભાવનાઓ છે. શહેર કોંગ્રેસના સુત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસના કોર્પોરેટરોની સંખ્યા હવે અડધી પણ નથી રહી તેમ છતાં કોંગ્રેસને મજબૂત કરવાની જગ્યાએ ધારાસભ્યો અને અગ્રણી નેતાઓમાં પક્ષને બેઠો કરવાનો અભાવ અને ઉત્સાહ ઉડીને આંખો વળગી રહ્યો છે.