ઉત્સવો ઉજવવામાં ભાજપ સરકાર માહિર છે. પ્રવાસીઓને આકર્ષવાના હેતુસર કરોડોનો ખર્ચ કરી ઉત્સવો ઉજવ્યા પણ તેનો હેતુ જ સર્યો નહીં . ભાજપ સરકારે પતંગોત્સવ, નવરાત્રી મહોત્સવ અને રણોત્સવ પાછળ છેલ્લાં ત્રણેક વર્ષમાં રૃા.૪૩ કરોડનો ધૂમાડો કર્યો હતો. ગુજરાતમાં સરકાર દ્વારા ઉજવાતા ઉત્સવોમાં માત્ર ૨૪૫ જ વિદેશી મહેમાનો આવ્યા હતાં . ઉત્સવો ઉજવવા પાછળ સરકારનો એવો દાવો રહ્યો છેકે, ગુજરાતના ઉત્સવો થકી દેશવિદેશના પ્રવાસીઓને આકર્ષવા પણ આ દાવો પોકળ સાબિત થયો છે.
રણોત્સવમાં ત્રણ વર્ષમાં માત્ર ૩૮ જ વિદેશીઓ આવ્યા છે જયારે પતંગોત્સવમાં ૧૪૯ વિદેશીઓ ઉપસ્થિત રહ્યા હતાં. નવરાત્રી માણવા ગુજરાત આવનારાં વિદેશીઓની સંખ્યા માત્ર ૫૮ જ રહી છે. પ્રવાસીઓને આકર્ષવાના ભાગરૃપે ઉજવાતાં રણોત્સવ પાછળ સરકારે ત્રણ વર્ષમાં રૃા.૧૦.૪૨ કરોડ , પતંગોત્સવ પાછળ રૃા.૧૧.૮૫ કરોડ અને નવરાત્રી મહોત્સવ પાછળ રૃા.૨૦.૩૩ કરોડનો ખર્ચ કર્યો હતો. કોંગ્રેસનો આક્ષેપ છેકે, ભાજપ સરકાર દર વર્ષે આ ત્રણેય ઉત્સવો પાછળ રૃા.૧૫ કરોડનો ખર્ચ કરે છે. આમ છતાંયે દેશવિદેશી પ્રવાસીઓ ગુજરાતમાં ડોકાતા નથી. પ્રવાસન ક્ષેત્રમાં મૂડીરોકાણ વધતુ નથી.