શહેરો વિકસિત હોય તેને વિકાસ ન કહેવાય, બેરોજગારીનું નિરાકરણ જરૂરી:શહેરો વિકસિત હોય તેને વિકાસ ન કહેવાય, બેરોજગારીનું નિરાકરણ જરૂરી: રાજ્યપાલ કોહલી
શહેરો વિકસિત હોય તેને વિકાસ ન કહેવાય. શહેર અને ગામડાઓમાં સમાંતરે વિકાસ થાય તે જરૂરી છે. જ્યારે ગામડાઓ વિકસિત, પગભર અને મજબૂત બને ત્યારે દેશ મજબૂત બને છે. આજના શિક્ષણ અને રોજગારને લઈને યુવાનોમાં અસંતોષ જોવા મળે છે. જે સમાજ માટે ખતરાની ઘંટી છે. આ સ્થિતિના નિરાકરણ માટે સરકાર પગલાં ભરે તે સમયની માગ છે એવો સૂર રાજ્યપાલ ઓ.પી.કોહલીએ વ્યકત કર્યો હતો. દરમિયાન શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ આ અંગે જણાવ્યું હતું કે, રાજ્યપાલે કરેલા આ સૂચન અંગે સરકાર વિચારણા કરશે. ગાંધીનગરમાં જીટીયુનો ૭મો પદવીદાન સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં સીએમ રૂપાણી તેમ જ રાજ્યપાલ ઓ. પી. કોહલી ઉપસ્થિત રહ્યાં હતા. જેમાં રાજ્યપાલ ઓ. પી. કોહલીએ પદવીદાન પ્રસંગે શિક્ષિત યુવાનો અને બેરોજગારીનો પ્રશ્ર્ન ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ભણતર બાદ નોકરી ન મળે તે ચિંતાનો વિષય છે. આ સ્થિતિ એલાર્મિગ છે. યુવાનોને ભણતર અને ઉચ્ચ શિક્ષણ બાદ રોજગારી સુનિશ્ર્ચિત નથી. વિશ્ર્વ વિદ્યાલયોએ આ મામલે ચિંતા કરવાની જરૂર છે. યુવાનોમાં ફેલાયેલા અસંતોષ વિશે વિચાર કરવો જોઈએ. રાજ્યપાલ ઓ. પી. કોહલીએ યુવા વિદ્યાર્થીઓને પોતાના જ્ઞાન-કૌશલ્યથી રાષ્ટ્રને નવી વૈશ્ર્વિક ઊંચાઇઓ પાર કરાવવાના સંવાહક બનવા આહ્વાન કર્યું હતું. યુવા વિદ્યાર્થીઓને સંબોધતા ઉમેર્યું કે વિકસિત ભારતની સંકલ્પનામાં છાત્રશક્તિની અહેમ ભૂમિકા રહેલી છે. આ છાત્રશક્તિએ શિક્ષણના આયુધથી સજ્જ થવા સાથે ગ્રામીણ-અંતરિયાળ વિસ્તારોને પણ વિકાસની હરોળમાં લાવવાનું દાયિત્વ નિભાવવાનું છે, એવું તેમણે ઉમેર્યું હતું. આ પ્રસંગે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ યુવા છાત્રોને શિક્ષા પદવી સાથે દીક્ષા-સંસ્કારનો સમન્વય સાધીને સમાજ તેમ જ રાષ્ટ્ર નિર્માણ માટે પ્રદાન કરવા પ્રેરણા આપી હતી. જીટીયુનો પદવીદાન સમારોહ સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતીએ જ યોજાયો છે, તેને ઉપયુક્ત ગણાવતાં યુવાનોને નયા ભારતના નિર્માણ માટે કમર કસવાના અવસર તરીકે ઉપાડી લેવા આહ્વાન કર્યું હતું. રૂપાણીએ વધુમાં કહ્યું હતું કે, હવેના સમયમાં માત્ર શિક્ષા જ પર્યાપ્ત નથી.